કચ્છઃ ભુજમાં બુધવારે ભૂકંપનો આંચકો નોંધાયો છે. મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના દુધઈ નજીક બુધવાર બપોરે 2 કલાક અને 9 મિનિટે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો હતો. દુધઈ નજીકના કેન્દ્રબિંદુ ધરાવતા આ આંચકાની અસર ગાંધીધામ, અંજાર સહિતના આસપાસના ગામડાઓમાં જોવા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
2001ના વિનાશક ભૂકંપ પછી કચ્છની ધરતીમાં અવારનવાર હલચલ થાય છે. જે કારણે સમયાંતરે ભૂકંપના આંચકાઓ નોંધાતા રહે છે. પરંતુ રિક્ટર સ્કેલ પર ભૂકંપનીના આંચકાની તીવ્રતા 4થી ઉપરની હોય છે, ત્યારે આ ભૂકંપ અનુભવી શકાય છે.
ગુજરાત સિસ્મોલોજી વિભાગની સત્તાવાર માહિતી મુજબ, બુધવારની બપોરે 2 કલાક અને 9 મિનિટે દુધઈના નોર્થ-ઈસ્ટમાં 7 કિલોમીટર દૂર 4.1ની તીવ્રતા ધરાવતો ભૂકંપ નોંધાયો હતો. જેની ઉંડાઇ 30.5 કિલોમીટર રહી છે. બપોરે અચાનક ધરતીની અસરને પગલે અનેક લોકોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો અને ડરનો માહોલ છવાયો હતો. હાલ આ ભૂકંપના આંચકાથી કોઈ નુકસાન થયું હોવાના સમાચાર મળી રહ્યા નથી.