કચ્છઃ આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં ટેલેન્ટેડ લોકોને એક ઓપન મંચ પૂરું (Young singer from Kutch)પાડે છે. તમારી પાસે કુનેહ હોય, આવડત હોય તો ચોક્કસથી તમે સફળતા હાંસિલ કરી શકો છો. ઈન્ટરનેટના સમયમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આજના યુવાનો પોતાનો હુન્નર બતાવીને ના માત્ર જિલ્લા પરંતુ દેશ વિદેશમાં પણ પોતાનું નામ કમાવી રહ્યા છે.
કર્ણપ્રિય અવાજે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી -આજે આપણે વાત કરીશું કચ્છના એક યુવાનની કે જેના કર્ણપ્રિય અવાજે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. કચ્છના રતનાલના યુવાન નંદલાલ છંગા કે જેને ના માત્ર કચ્છ ,ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ પોતાના કર્ણપ્રિય અવાજની આદત લોકોને લગાવી છે. બાળપણથી જ નંદલાલને ભક્તિમય ગીતો ગાવાનો શોખ રહેલો છે. નંદલાલ બાળપણથી સ્કૂલ કક્ષાએ વિવિધ ગાયન સ્પર્ધામાં ભાગ લેતા અને પ્રથમ નંબરે આવતા. માધ્યમિક શિક્ષણમાં ભૂજોડી ગુરુકુળ હોય કે રામપર વેકરા ગુરુકુળમાં નંદલાલ સવારની પ્રાર્થનામાં ધુન ગાવા માટે પણ ઉત્સાહપૂર્વક વહેલા ઉઠી જતા.
કચ્છના નંદલાલ કૃષ્ણભક્તિમાં લીન થઈ લોકોને પણ કરે છે મગ્ન -સંગીત પ્રત્યેની પોતાની ચાહના અંગે વાતચીત કરતા નંદલાલે જણાવ્યું હતું કે સંગીત પ્રત્યેનો પ્રેમ તેને વારસામાં મળ્યું હોય તેમ ઘરમાં ચુસ્ત ભાવવાહી કૃષ્ણભક્તિમાં ઉછેરના પગલે બાળપણથી જ સંગીતના બીજ રોપાયા છે. એમબીએના અભ્યાસ દરમિયાન કચ્છ યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં પણ ગાયન સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
યુવાનો તેમના અવાજના ચાહક -નંદલાલ છંગા મુખ્યત્વે કૃષ્ણ ભક્તિના અનેક પ્રાચીન-અર્વાચીન દેશી ગીતોને ફોક સંગીતમાં અલગ અલગ અંદાજમાં રજૂ કરે છે અને પોતાના કર્ણપ્રિય અવાજથી દેશ-વિદેશના લોકોને કૃષ્ણ ભક્તિમાં મશગુલ કરે છે. આજે YouTube પર નંદલાલ છાંગા ચેનલ પર 2,20,000થી પણ વધારે સબસ્ક્રાઈબર છે અને Instagram વેરિફાઇડ એકાઉન્ટ પર 49,000થી પણ વધારે ફોલોઅર્સ છે અને યુવાનો તેમના અવાજના ચાહક છે.
નાના-મોટા કુલ 115 દેશોમાં એમના ગીતો સાંભળનારા લોકો -નંદલાલ વર્ષ 2013માં ઇન્ડિયન આઇડલ ઓડિશનમાં સિલેક્ટ થયા હતા અને તાજેતરમાં YouTube દ્વારા નંદલાલને સિલ્વર પ્લે બટન પણ મળ્યું છે. થોડા દિવસો અગાઉ અમદાવાદમાં ટોપ મ્યુઝિક એવોર્ડ બેસ્ટ ડિવોશનલ ગીત "મધુરાષ્ટકમ" ગીતને એવોર્ડ પણ મળેલો છે.તેમના આલ્બમ ગીતો સાત સમુદ્ર પાર આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલા છે. નાના-મોટા કુલ 115 દેશોમાં એમના ગીતો સાંભળનારા લોકો છે. તેમને મુંબઈ, ઈન્દોર, લોનાવલા, ભીલવાડા અને બીજા કેટલાય શહેરોમાં લાઈવ પરફોર્મન્સ અને શો કરેલા છે અને ભુજ ખાતે નવરાત્રીમાં પ્રોફેશનલ સિંગર તરીકે પણ પર્ફોર્મન્સ આપી ચૂક્યા છે.