ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં શેઢાના રક્ષણ માટે વવાયેલી ખારેક હવે 300 કરોડનું માર્કેટ, વાંચો કચ્છના સૂકા મેવાનો ખાસ અહેવાલ

કચ્છમાં 18 હજાર હેકટર એટલે કે, 45 હજાર એકર જેટલા વિસ્તારમાં ખારેકનું વાવેતર થયું છે. આ વર્ષે પાંચ ટકાના વધારા સાથે 1.74 લાખ મેટ્રીક ટન જેટલા પુષ્કળ ઉત્પાદનની આશા દેખાઈ રહી છે. ભારે ક્ષારવાળાં પાણીમાં પણ પાકી જતી ખારેકનું ભવિષ્ય કચ્છમાં વધુને વધુ ઉજ્જવળ બની રહયું છે. કચ્છમાં કેસર કેરી, દાડમ જેવા કમાઉ પાકોને પણ પાછળ રાખી દેતાં કચ્છની ખારેક મોખરાનાં સ્થાને છે. તેથી જ વિદેશથી આવેલું આ ફળ હવે કચ્છનું કલ્પવૃક્ષ બની ગયું છે.

કચ્છમાં શેઢાના રક્ષણ માટે વવાયેલી ખારેક હવે 300 કરોડનું માર્કેટ
કચ્છમાં શેઢાના રક્ષણ માટે વવાયેલી ખારેક હવે 300 કરોડનું માર્કેટ

By

Published : Jun 26, 2020, 2:16 PM IST

ભૂજઃ કચ્છની બંજર ભૂમિમાં તુર્કિસ્તાનથી આવેલી ખારેક આજે કચ્છની બાગાયતી ખેતીમાં અદકેરું સ્થાન ધરાવે છે. ધીમેધીમે અગ્રસ્થાને પહોચેલી ખારેકનું અંદાજે રૂ. 300 કરોડનું માર્કેટ છે. આગામી બે માસ સુધી આ ફળ દેશવિદેશમાં ધૂમ મચાવશે. જેમ કચ્છની કેસર કેરીએ કેરીની બજારમાં સવોચ્ચ સ્થાન મેળવ્યું છે. તેમ કચ્છના મોનોપોલીના આ ખારેકના ઉત્પાદનમાં આ વર્ષે સાનુકુળ વાતાવરણના કારણે ખેડુતોને પુષ્કળ ઉત્પાદન મળે તેવી સંભાવનાને પગલે કચ્છના ખેડૂતો ખુશ છે.

કચ્છમાં શેઢાના રક્ષણ માટે વવાયેલી ખારેક હવે 300 કરોડનું માર્કેટ
કચ્છના બાગાયત અધિકારી કુલદીપભાઈ સોજીત્રા ઈટીવી ભારતને જણાવે છે કે દેશી અને બારાહી એમ બે પ્રકારની ખારેક થાય છે. જેમાં મુંદરા માંડવી અને ભૂજમાં વધારે વાવેતર છે ખારા પાણીમાં પણ ટકી રહેલા આ ફળનું હવે વાગડ વિસ્તારમાં પણ વાવેતર શરૂ થયું છે. આ વર્ષે 18000 હેકટરમાં 1.74 લાખ મેટ્રીક ટનના ઉત્પાદનની આશા છે જે ગત વર્ષ કરતા પાંચ ટકા વધારે રહેશે.
કચ્છમાં શેઢાના રક્ષણ માટે વવાયેલી ખારેક હવે 300 કરોડનું માર્કેટ
રણપ્રદેશની અનુકૂળ આબોહવામાં પાકતી ખારેકનાં ઉત્પાદનની સાથોસાથ ગુણવત્તા પણ સુધરી છે. ખારેકનું ભાવિ સારું છે, પરંતુ તેની વ્યાપક પ્રસિદ્ધિ, માર્કેટિંગની તાતી જરૂર છે. કચ્છના કર્મઠ કિસાનો, કુશળ વેપારીઓએ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, બેંગ્લોર, હૈદ્રાબાદ અને ખાસ કરીને તામિલનાડુના લોકોની દાઢે ખારેકનો સ્વાદ વળગાડયો છે કચ્છના આ સુકા મેવાની માગ વિદેશો પણ વધી છે અને તેથી કચ્છી ખારેકની શરૂઆત થતાં જ મુંબઈથી ખાસ વેપારીઓ કચ્છ આવીને ખેતરના ખેતરનો પાક વેચાતો લઈને તેને મુંબઈ લઈ જઈને નિકાસ પણ કરે છે.
કચ્છમાં શેઢાના રક્ષણ માટે વવાયેલી ખારેક હવે 300 કરોડનું માર્કેટ
કચ્છમાં કુલ ઉત્પાદનના 50 ટકા ખારેક તુરા સ્વાદવાળી અને ડચૂરો વળે તેવી હોય છે. આવી ખારેકની ગુણવત્તા સુધારવા માટે પ્રોસેસિંગનું સૂચન થઈ રહ્યું છે. ત્રણ હજાર ટીડીએસવાળાં પાણીમાં પણ પાકી જતી ખારેકની થોડી વધુ માવજત થાય તો ધાર્યા ભાવ મેળવી શકાય. કચ્છમાં બારહીના આઠ હજાર અને દેશી ખારેકના 10થી 12 હજાર ઝાડના મળીને કુલ 20 લાખ વૃક્ષો છે. જેમાં મબલખ ઉત્પાદન થવાનો એક અંદાજ મળી રહ્યો છે.
કચ્છમાં શેઢાના રક્ષણ માટે વવાયેલી ખારેક હવે 300 કરોડનું માર્કેટ
કચ્છમાં મુંદરા અને અંજાર ખારેકના ગઢ ગણાય છે, જો કે પાછળથી ભૂજ, માંડવી, ભચાઉ, કુકમા સહિત વિવિધ ભાગોમાં વાવેતર થવા માંડયું છે.ખેડૂતો ખારેક પર થોડું વધુ ધ્યાન આપીને ધીરજપૂર્વક પરિશ્રમથી પકાવે તો કચ્છનાં કલ્પવૃક્ષની કમાણીમાંથી કચ્છનો કિસાન સદ્ધર બની જશે તેવો મત વ્યકત કરાઈ રહ્યો છે. કચ્છનું કલ્પવૃક્ષ કહો કે કચ્છી મેવો, ખારેક બજારમાં આવવાની શરૂઆત થઈ ચુકી છે. તુર્કિસ્તાનથી આ ફળ જયારે કચ્છ પહોંચ્યું ત્યારે માત્ર ખેતરની વાડ નકકી કરવા શેઢા પર તેની વાવણી થતી હતી પણ આજે આ માર્કેટ રૂ. 300 કરોડનું થઈ ગયું છે અને તેથી કચ્છમાં 18 હજાર હેકટરમાં 20 લાખથી વધુ વૃક્ષો છે. દેશી અને ટિશ્યુ એમ બે પ્રકારે ઉત્પાદન લેવાય છે. આ ખારેકનુ દેશવિદેશમાં રહેતા કચ્છીજનો ઉપરાંત અન્ય ચાહક વર્ગ પર તેની રાહ જુએ છે. અને તેથી કચ્છની આ ખારેક સંબંધોમાં પણ આપલે કરવાનું નિમિત્ત પણ બની છે. લોકો પ્રેમથી ખારેક મંગાવે છે તો કચ્છી લોકો સામેથી પ્રેમ સાથે ખારેક મોકલી પણ આપે છે. ભૂજ તાલુકાના રેલડી ગામના પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ ઠકકરે ઈટીવી ભારતને જણાવ્યુ હતું કે દેશી ખારેકના ટિશ્યુ બની જાય તો ખેડુતો માટે ચાર ચાદં લાગી જાય તેમ છે બારાહી ખારેકના ટિશ્યુ છે પણ દેશી ખારેકના ટિશ્યુ કલ્ચરમાં હજુ જોઈએ તેવી સફળતા મળી નથી. જો સરકાર આ તરફે પણ થોડી મદદ કરે તો આ પાક માત્ર કચ્છની જ નહી સમગ્ર ભારતમાં કમ સે કમ છ મહિના સુધી ખારેકનો પાક મળતો થઈ શકે તેમ છે. અલગ અસલગ પ્રાતનો સમયગાળો અલગ અલગ છે. આમ ખારેકનું ઉત્પાદન દેશભરમાં થઈ શકે છે. કચ્છની ખારેક શરૂઆતમાં જોનારા લોકો તેને બોર સમજી લેતાં હતાં પણ હવે માર્કેટિંગ સેટ થઈ ગયું છે. માત્ર ટિશ્યુ તરફ ધ્યાન અપાય તો સોનામાં સુગંધ ભળે તેમ આ પાક ખેડૂતો માટે સોનું બની શકે છે. કચ્છના આટલા મોટા ઉત્પાદનને કારણે હવે ખારેક સૂકી કરીને ખજૂર બનાવવાની યોજના પણ આકાર લઈ રહી છે. જો આ યોજના આકાર થશે તો આગામી દિવસોમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આયાત થતી સૂકી ખારેક અને ખજૂરની ભારતની માગ પણ કચ્છ પુરી કરી શકશે. જોકે હજુ આ દિશામાં માત્ર કદમ મંડાયા છે.

ABOUT THE AUTHOR

...view details