કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. 'સરહદ ડેરી' દ્વારા તમામ મંડળીઓ માટે દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે હાલના પ્રતિ કિલો ફેટ રૂપિયા 600થી વધારી અને 620 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવશે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટર દૂધના ભાવોમાં 1.5 રૂપિયા સુધી વધારો થશે અને માસિક રૂપિયા 1.5 કરોડ રૂપિયા પશુપાલકોને વધુ મળશે. આ ભાવો આગામી 16 મેથી અમલમાં આવશે.
કચ્છમાં અછતની સ્થિતિના કારણે દૂધમાં ભાવવધારો, પશુપાલકોને રાહત - gujarat
કચ્છઃ દુષ્કાળ અને અછતની સ્થિતીમાં સરહદ ડેરી દ્વારા પશુપાલકોને દૂધમાં ભાવવધારો જાહેર કરાયો છે. આ ઉપરાંત દાણ સબસીડી અને દૂધ ભાવફેર 4.72 ટકા લેખે ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે આ કપરા કાળમાં પશુપાલકો માટે રાહત રૂપ બની રહેશે.
ડેરીના ચેરમેન વલમજીભાઈ આર. હુંબલેએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં દુષ્કાળની કપરી પરિસ્થિતીને કારણે છેલ્લા કેટલાક સમયમાં ખાણ દાણ તથા લીલો ચારો તેમજ સૂકા ચારાના ભાવમાં થયેલા વધારાના કારણે દૂધ સંઘ દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ભાવો ઉપરાંત દૂધ સંઘ દ્વારા વર્ષાના અંતે દૂધ ભાવફેર (બોનસ) પણ ચૂકવવામાં આવે છે. જેની ગણતરી કરીએ તો ભાવોમાં 30 રૂપિયા વધીને કુલ ભાવો 650 રૂપિયા પ્રતિ કિલો ફેટ પશુપાલકોને મળે છે.
જે મુજબ ગુજરાતના ફેડરેશન સાથે સંકળાયેલા 21 સંઘોમાંથી સૌથી વધુ ભાવો ચૂકવતા સંઘોમાં પ્રથમ ૩ ક્રમાંકમાં કચ્છ દૂધ સંઘ આવે છે. આગામી દિવસોમાં 4.72 ટકા લેખે દૂધ ભાવફેરની ચુકવણી કરવાની ચાલુ કરી દેવામાં આવશે. દૂધ સંઘ દ્વારા હર હંમેશા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવેલા છે. પશુપાલકોને 10 હજાર મકાઇના બિયારણની કિટ વિનામુલ્યે વિતરણ કરવામાં આવી હતી. જેના કારણે લીલા ચારાનું પશુપાલકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. તેમજ સરહદ દાણમાં પણ 250 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. જેથી દૂધ ઉત્પાદનના ખર્ચના ઘટાડામાં પશુપાલકોને રાહત મળી રહે છે.