સેન્ટર ફોર રિવાઈવલ ઓફ હેરિટેજ ક્રાફટની શરૂઆત કચ્છ:કચ્છ સંસ્કૃતિ અને હસ્તકલાઓનો વારસો ધરાવતો પ્રદેશ છે. દરેક હસ્તકલા પાછળ મહિલાઓનો અમૂલ્ય ફાળો રહ્યો છે ત્યારે કચ્છના રાજપરિવાર દ્વારા મહિલાઓને પગભર કરવા માટે દરબારગઢ ખાતે પ્રાગમહલ પેલેસ ખાતે પ્રાચીન હસ્તકલાઓને પુનર્જીવિત કરવાના ધ્યેય સાથે મહારાવ પ્રાગમલજી ત્રીજાના નામ પર સેન્ટર ફોર રીવાઈવલ ઓફ હેરિટેજ ક્રાફટની શરૂઆત કરવામાં આવી છે.
કચ્છની મહિલાઓ પગભર થશે:રાજપરિવારના સદસ્ય આરતીબા જાડેજાએ જણાવ્યું હતું કે, મહારાણી પ્રીતિ દેવી દ્વારા દરબાર ગઢમાં જ મહારાવ પ્રાગમલજી થર્ડ સેન્ટર ફોર રીવાઈવલ ઓફ હેરિટેજ ક્રાફટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ ક્રાફટ સેન્ટર ખાતે ભારતીય કાપડ મંત્રાલયના હસ્તકલા વિકાસ કમિશનરના સહયોગથી સિંગર કંપની દ્વારા વિવિધ સિલાઈ મશીન પ્રદાન કરવામાં આવ્યા છે જેના દ્વારા કચ્છની મહિલાઓ પગભર થશે અને કચ્છની પ્રાચીન હસ્તકલાને પુનર્જીવિત કરશે.
કચ્છની હસ્તકલાઓ વૈશ્વિક સ્થળે ઉજાગર થશે: રાજપરિવારના સદસ્ય હર્ષાદિત્યસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છીયતને ઉજાગર કરવાનો છે. હાલમાં તમામ હસ્તકલાઓ હવે પ્રોફેશનલ થઈ ગઈ છે અને કચ્છની જે પ્રાચીન હસ્તકલા હતી તે ભુલાતી જાય છે તેને ફરીથી શરૂ કરવા આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેના થકી કચ્છની હસ્તકલાઓ વૈશ્વિક સ્થળે ઉજાગર થાય.
સેન્ટર ફોર રિવાઈવલ ઓફ હેરિટેજ ક્રાફટની શરૂઆત:કચ્છ જ્યારે આજે પ્રવાસન ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. કચ્છ ફરવા આવતા લોકો આ દરબાર ગઢના પ્રાગ મહેલ અને આઇના મહેલની મુલાકાત તો અવશ્ય લે છે. કચ્છની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પોતાની સાથે કચ્છની યાદ સાથે લઈ જઈ શકે તે હેતુસર કચ્છના રાજપરિવાર દ્વારા દરબાર ગઢમાં જ સૌવેનિયર બૂટિક શોપ બનાવવામાં આવી હતી જે બાદ હવે રાજપરિવાર કચ્છની પ્રાચીન હસ્તકળાને લોકો સામે મૂકશે અને મહિલાઓને રોજગારી પણ પૂરી પાડશે.
- કચ્છના અંતિમ રાજવીના પ્રાગમહલ ખાતે 450 કિલો પ્રતિમાનું કર્યું અનાવરણ, જાણો શું છે ખાસિયતો
- LLDC ક્રાફટ મ્યુઝીયમ ખાતે "દાસ્તાને ગુલ-દુઝી" પ્રદર્શની, અફઘાનિસ્તાનના ભરતકામથી કચ્છી કારીગરો મેળવશે પ્રેરણા
મહિલા કારીગરોને કલા પ્રદર્શિત કરવાની તક:હાલમાં જ્યારે કચ્છની પ્રાચીન હસ્તકલાઓ વેપારની દૃષ્ટિએ તૈયાર કરવામાં આવી રહ્યુ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેનું વેંચાણ થઈ રહ્યું છે. કચ્છના રાજપરિવારના આ પ્રયાસ મારફતે જરૂરતમંદ અને કુશળ મહિલા કારીગરોને પોતાની કલા પ્રદર્શિત કરવાની તક મળશે અને દેશ વિદેશથી ભુજ આવતા પ્રવાસીઓ આ સેન્ટર ફોર રીવાઈવલ ઓફ હેરિટેજ ક્રાફટ ખાતે કચ્છની પ્રાચીન હસ્તકલાથી પરિચિત થશે અને અહીંથી ખરીદી કરી શકશે.