- હેડ કોન્સ્ટેબલે PSIના નામે રૂપિયા 15,000ની માંગ કરી
- ઓડિયો રેકોર્ડિંગ SPને મોકલતાં સમગ્ર મામલો સામે આવ્યો
- SPને રજૂઆત પછી કોન્સ્ટેબલ સામે લાંચનો ગુનો દાખલ
કચ્છ : અબડાસા તાલુકાના વિંગાબેર ગામે રહેતાં દિલુભા સરવૈયાના બે પુત્રોના લગ્ન હતા. 12મી મેના રાત્રે ડીજેના તાલે દાંડિયારાસ રમતાં હતા. ત્યારે PSI સામત મહેશ્વરી સાથે જખૌ પોલીસની ટૂકડી ત્યાં દોડી આવી હતી. તેમણે દાંડિયારાસ અટકાવી જાહેરનામા ભંગ બદલ કલમ-188 હેઠળ દિલુભાને નોટિસ આપી હતી અને 14 મેના રોજ પોલીસ મથકે હાજર થવા જણાવ્યું હતું.
ઘરના દરેક સભ્યને આ ગુનામાં ફસાવવાની કરવાની વાત કરી
દિલુભા તેમના પુત્ર વિજેન્દ્રસિંહ સાથે પોલીસ મથકે હાજર થયા હતા. ત્યારે હેડ કોન્સ્ટેબલ રોહિત મકવાણાએ તેમનું નિવેદન નોંધવાનું શરૂ કર્યું હતું. આ સમયે હેડ કોન્સ્ટેબલ રોહિતે દિલુભાને ઘરના દરેક સભ્યને આ ગુનામાં ફસાવવાની કરવાની વાત કરી હતી.
આ પણ વાંચો : ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે 15 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ
પિતા-પુત્રને પોલીસ સ્ટેશન બહાર બેસાડીને કહ્યું ' હવે વહેવારની વાત કરીએ'
હેડ કોન્સ્ટેબલ રોહિત મકવાણાએ પિતા-પુત્રને પોલીસ સ્ટેશન બહાર બેસાડીને જણાવ્યું હતું કે, ‘હવે વહેવારની વાત કરીએ. મારે સાહેબ સાથે વાત થઈ ગઇ છે. તમે રૂપિયા 25 હજાર આપો એટલે ફરી વખત તમને કે તમારા પરિવારમાંથી કોઈને અહીં કે કૉર્ટમાં ધક્કો નહી પડે.’
CCTV ચાલું હોવાથી પોલીસ મથકમાં નાણાં લેવાનો ઈન્કાર કર્યો
રોહિતે 25 હજારની વાત કરતાં પિતા-પુત્રએ થોડાંક ઓછા કરી આપવા જણાવ્યું હતું અને રોહિતે ‘સાહેબે 15,000 આપવા જણાવ્યુંં છે.’ તેમ કહી પોતાની ગાડીના ડીઝલ પેટે અલગથી 3000 રૂપિયાની માંગણી કરી હતી. દિલુભાએ તેમના ખિસ્સામાં રહેલાં નાણાં રોહિતને આપવા પ્રયાસ કરતાં રોહિતે CCTV ચાલું હોવાનું જણાવી પોલીસ મથકમાં નાણાં લેવાનો ઈન્કાર કર્યો હતો. તે પિતા-પુત્રને તેની કારમાં બેસાડી નજીકની ચાની હોટલે લઈ ગયો અને ગાડીમાં તેણે 16,000 રૂપિયા સ્વીકાર્યાં હતા.
આ પણ વાંચો : ખેડામાં સીટીસર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
SP સૌરભસિંઘે આ ઘટના બાબતે તપાસ કરાવી
સમગ્ર ઘટનામાં ઑડિયો રેકોર્ડિંગ મહત્વનો પૂરાવો બન્યું છે. દિલુભાનો પુત્ર વિજેન્દ્રસિંહ પોલીસ સ્ટેશને પિતા જોડે ગયો હતો. ત્યારથી તેણે મોબાઈલ ફોનમાં ઑડિયો રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. આ બનાવ અંગે SP સૌરભસિંઘને ઑડિયો ક્લિપ સાથે રજૂઆત કરાતાં તેમણે તપાસ કરાવી હતી.
હેડ કોન્સ્ટેબલ સામે ભ્રષ્ટાચાર અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો
અરજદારને રૂબરૂ બોલાવી જખૌ પોલીસ મથકના 14 મેનાં રોજના બનાવ સમયના CCTV ફૂટેજ મંગાવી ચેક કર્યાં હતા. પ્રાથમિક તપાસમાં મહત્વની બાબતો સ્પષ્ટ થઈ જતાં SPની સૂચના પછી લાંચ સ્વીકારવા બદલ કોન્સ્ટેબલ રોહિત હરજી મકવાણા સામે ભ્રષ્ટાચાર અધિનિયમની વિવિધ કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો.