કચ્છ: 2 ઓક્ટોબર, ગાંધી જયંતિએ ભુજના હમીરસર તળાવ પાસે ગાંધીજીની પ્રતિમા નજીક કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ અને ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાન કાર્યકર્તાઓએ ગાંધીજીની પ્રતિમાને આરોપણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ભુજમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે વિવિધ મુદ્દે સરકાર સામે નોંધાયો વિરોધ - લાલ બહાદુર શાસ્ત્રી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિએ ભુજમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિભૂતિઓને શ્રદ્ધાંજલિ આપવા સાથે કૃષિ બિલ કોરોના વચ્ચે શિક્ષણ ફી અને હાથરસની ઘટનાના વિરોધમાં પ્રતિક ઉપવાસ અને ધરણાં કર્યા હતા. તેમજ કોંગ્રેસે સરકાર યુવા વિરોધી ખેડૂત વિરોધી હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે દેશની બે મહાન વિભૂતિઓની જન્મ જયંતિ છે, આજના દિવસે કોંગ્રેસે તેમને યાદ કરીને પ્રતિક ઉપવાસ કર્યા છે. દેશમાં કૃષિ બિલ પસાર કરવામાં આવ્યું છે, તે ખેડૂત વિરોધી છે. ખેડૂતો મોટા ઉદ્યોગોના ખેત મજૂર બની જશે. આ કાયદા સામે ખેડૂતોનો અવાજ બની કોંગ્રેસ તેનો વિરોધ નોંધાવી રહી છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે દેશભરના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ફી મોટી સમસ્યા બની ગઈ છે. વાલીઓ પરેશાન છે, ત્યારે સરકારે 25 ટકા માફી આપીને છે તે ગેરવાજબી છે. તેની સામે કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો છે.
ઉત્તર પ્રદેશના હાથરસમાં કિશોરી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં ગરીબ પરિવારનો અવાજ બનતા કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરીને સરકાર અવાજ દબાવી રહી છે. આ તમામ સામે વિરોધ નોંધાવવા આ પ્રતિક ઉપવાસ અને ધરણાં કર્યા છે.