કચ્છ: અબડાસામાં સત્તા પક્ષના લોકો ચુંટાયા બાદ લોકોની વચ્ચે રહી તેમના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકોલવામાં નિષ્ફળ રહેતા મતદાન બહિષ્કારના એલાન તાલુકાના અનેક ગામોમાં થઇ રહ્યા છે. એક માસ અગાઉ સુજાપર અને નાંગીયા ગ્રામ પંચાયત દ્વારા તેમના વિસ્તારના ગામો ત્રંબૌ, સુજાપર, પિથોરાનગરના રસ્તાનો પ્રશ્ન અનેક વરસો જૂની રજુઆત છતાં ઉકેલવામાં ન આવતા 30 થી 40 ગામોને પડતી તકલીફને લઇ પેટા ચુંટણીના મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ કોઠારા નજીકના આમરવાંઢ ગામના 1700 જેટલા મતદારો દ્વારા તેમના ગામને રેવેન્યુ વિલેજ તરીકે માન્યતા ન મળી હોવાથી સરકારી લાભોથી વંચિત રહેવું પડે છે.
આ અંગે વર્ષોથી રજૂઆત છતા તંત્ર કોઈ પગલાં લેતું ન હોવાથી ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. તે બાદ તાલુકાના મુખ્ય મથક નલિયાના મોટાભર વિસ્તારના ગરબી મંડળ દ્વારા સમગ્ર વિસ્તારના લોકો સાથે રહી ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.