કચ્છઃ કચ્છમાં અદાણી મેડિકલ કોલેજે કોવિડ-19 લેબોરેટરી માટેનાં તમામ નિયત ધોરણો સફળતાપૂર્વક પાર કરતા દિલ્હી સ્થિત નેશનલ એક્રીબીશન બોર્ડ ઓફ લેબોરેટરી (NABL) અને ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ(ICMR) નામની મેડિકલ ક્ષેત્રની વરિષ્ઠ સંસ્થાઓ કોરોના ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. હવે ભુજમાં જ કોરોના સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓના નમૂનાના પરિક્ષણનો માર્ગ મોકળો થયો છે.
આવતીકાલે એટલે કે ગૂરુવારથી કચ્છમાં જ ટેસ્ટ થઈ શકશે. જેના પગલે સમયનો બચાવ થશે. રિપોર્ટ ઝડપથી આવશે અને વધુ સંખ્યામાં રિપોર્ટ પણ થશે. આ તમામ વ્યવસ્થા વ્ચ્ચે ભૂજ સિવિલ હોસ્પિટલની છ મહિલા લેબ ટેકનિશિયન કોવિડ-19ના ટેસ્ટ કરશે.
ભુજમાં કોવિડ-19 લેબ શરુ કરવા ICMRની લીલીઝંડી ભુજ જી.કે.જનરલ હોસ્પિટલનું સંચાલન કરતા અદાણી ગ્રુપની મેડિકલ કોલેજની વિશાળ પ્રયોગશાળામાં ખાસ કોવિડ-19 લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાંચ અલગ અલગ વિભાગમાં વિભાજીત આ લેબમાં નમૂના મેળવવાથી લઇને પ્રાથમિક પૃથ્થકરણ, શુધ્ધિકરણથી લઈને સેમ્પલ ટેસ્ટીંગ આવરી લેવામાં આવ્યા છે. જેથી સંક્રમિત કોરોનાનું પરિણામ હવેથી ચોવીસ કલાકમાં જ ઉપલબ્ધ બનશે અને તે મુજબ સારવારમાં પણ ઝડપ આવશે.
મેડિકલ કોલેજની લેબોરેટરીના ઇન્ચાર્જ ડો. હિતેષ આસુદાની અને ડો. કૃપાલી કોઠારીના જણાવ્યા અનુસાર, નમૂનાની ચકાસણી માટે 6 ટેક્નિશિયન તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામને કોરોનાની ચકાસણી માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આ કાર્ય માટે જિલ્લા પંચાયત દ્વારા ટેક્નિશિયન સહિતનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે.તબીબોના જણાવ્યા અનુસાર રાજ્યની અન્ય કોવિડ-19 લેબોરેટરી જેવી જ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને એક જ દિવસમાં નમૂનાનું પરિણામ આવી જાય તે મુજબ રોજના 90 જેટલા ટેસ્ટની ઝડપ પ્રમાણે નમૂનાની ચકાસણી કરાશે. આ અંગે જરૂરી નમૂનાની ચકાસણી માટેની કીટ અને રિ-એજન્ટ રાજ્ય સ્તરેથી આવી જતા કામગીરી શરુ કરી દેવામાં આવશે.અત્રેની લેબ શરુ કરવા માટે ગુણવત્તાનું પરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને 4 સેમ્પલ ચકાસણી માટે આપવામાં આવ્યા હતા. જેનું પરિણામ સચોટ આવતા ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ભુજમાં કોવિડ-19 લેબ શરૂ કરવા લીલીઝંડી આપી છે.