- કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં ફરીથી કચ્છમાં પ્રવાસીઓનો મેળાવડો
- દિવાળી વેકેશનમાં કચ્છની મોટાભાગની હોટલો હાઉસફુલ
- હોટલોમાં અત્યારથી જ બુકિંગ ફુલ
- મુંબઇ, બંગાલ, દિલ્હી, હરિયાણા સહિતનાં રાજ્યોમાંથી સૌથી વધુ પ્રવાસીઓ
કચ્છ: દિવસેને દિવસે પ્રવાસીઓ માટેનું હબ બનતું જાય છે ત્યારે કચ્છમાં ખાસ કરીને તહેવારોની રજામાં તેમજ દિવાળીનાં વેકેશન (Diwali vacation)માં સૌથી વધુ પ્રવાસીઓનો જમાવડો જોવા મળતો હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી ખૂબ ઓછા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા માત્ર હોટલ ઉદ્યોગ જ નહીં પરંતુ પ્રવાસનને લગતા તમામ ધંધાઓમાં મંદી સર્જાઈ હતી, પરંતુ હવે જ્યારે મહામારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે પ્રવાસીઓ પાછા કચ્છ તરફ ફર્યા છે.
દિવાળી વેકેશનમાં કચ્છની હોટલોને થશે આવક રણોત્સવ પણ શરૂ થવાનો છે ત્યારે હોટલ ઉદ્યોગમાં પ્રાણ ફૂંકાયો
ભુજમાં મોટાભાગની હોટલોમાં રૂમોનું એડવાન્સ બુકિંગ થઇ ચુક્યું છે, તેની સામે ઇન્કવાયરી પણ અનેક ગણી વધી ગઈ છે. દિવાળીની રોનકને કારણે હોટલ માલિકોના ચેહરા પર પણ આનંદ છવાઈ ગયો છે. જિલ્લાની હોટલોમાં પણ હાઉસફુલના પાટિયા લાગી રહ્યા છે. 3 નવેમ્બરથી લઇને 14 નવેમ્બર સુધીનું બુકિંગ તો અત્યારથી જ ફુલ થઇ ચૂક્યું છે. ઉપરાંત નવેમ્બરથી સફેદ રણમાં રણોત્સવ (Ranotsav) પણ ચાલુ થઇ રહ્યો છે તે જોતાં હોટલ ઉદ્યોગમાં દિવાળીને કારણે પ્રાણ ફુંકાયો હોવાનું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
દિવાળીના કારણે હોટલ ઉદ્યોગને મળશે આવક
કચ્છમાં છેલ્લા બે વર્ષથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતાં તેની હોટલ ઉદ્યોગ પર માઠી અસર પડી હતી. કારણ કે, પ્રવાસીઓ હોય કે ન હોય હોટલનું મેન્ટનન્સ, કર્મચારીઓનો પગાર સહિતનું ભારણ ચાલુ રહેવા પામ્યું હતું તેની સામે આવક શૂન્ય થઇ ગઇ હતી પરંતુ હવે ફરી એકવાર દિવાળીના વેકેશનને કારણે હોટલ ઉદ્યોગને પ્રાણવાયુ મળે તેવું લાગી રહ્યું છે.
દિવાળી વેકેશનને પગલે અત્યારથી જ એડવાન્સ બુકિંગ: ઉપપ્રમુખ હોટલ એસોસિયેશન
આ વખતે સંક્રમણમાં ઘટાડો થવાને કારણે ફરીથી કચ્છમાં પ્રવાસીઓનો મેળાવડો થશે કારણ કે, દિવાળીના વેકેશનને પગલે અત્યારથી જ બુકિંગ થઇ ચુક્યું છે અને પ્રવાસીઓનો સતત જમાવડો જોવા મળશે. અત્યાર સુધીમાં એડવાન્સ બુકિંગ થઇ ચુક્યું છે તેમાં મોટાભાગના મુંબઇ, વેસ્ટ બંગાલના, દિલ્હી અને હરિયાણાના પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. તો ગુજરાતના દરેક ખૂણામાંથી પણ ઘણા પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એટલા જ પ્રમાણમાં ઇન્કવાયરી પણ શરૂ થઇ ગઇ છે.
સરકારી નિયમો પ્રમાણે પાછો હોટલ ઉદ્યોગ શરૂ થઈ રહ્યો છે: હોટલ માલિક
દોઢેક વર્ષથી કોરોના હતો એટલે પરિસ્થિતિ ખરાબ હતી અને હવે સંક્રમણ ઓછું થતાં દિવાળીમાં પ્રવાસીઓ એડવાન્સમાં રૂમોનું બુકિંગ કરાવી રહ્યા છે. સરકારી નીતિ નિયમો મુજબ ફરીથી હોટલ ઉદ્યોગ ચાલુ છે અને આગામી દિવસોમાં રણોત્સવ પણ ચાલુ થઇ રહ્યો છે, ત્યારે કચ્છમાં સતત પ્રવાસીઓ આવતા રહેશે તેવો પણ માહોલ ઊભો થયો હોઈ જે હોટલ ઉદ્યોગ માટે સારા સંકેતો કહી શકાય. ડિસેમ્બર સુધી આવી જ પરિસ્થિતિ રહેશે તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે.