કચ્છ: જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કેે 24મી માર્ચના લોકડાઉનના અમલીકરણ સાથે સમગ્ર કચ્છમાં દોઢ લાખ લોકોનું સ્ક્રિનિંગ કરાયું છે. જેમાં જિલ્લામાં અવર-જવર કરી આવેલા તમામ લોકોનો સમાવેશ થાય છે. જયારે છેલ્લા પાંચ દિવસમાં સત્તાવાર વિગતો મુજબ 12,500 લોકો કચ્છમાં આવ્યા છે જેમાંથી 80 ટકા લોકો મુંબઈથી છે.
કચ્છમાં બહારથી આવેલા વ્યક્તિના સંપૂર્ણ પરિવારને હોમ કવોરેન્ટાઈન કરાશે : DDO - કચ્છમાં કોરોના કેસ
ઓરેન્જ ઝોન કચ્છમાં મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર જિલ્લામાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. મોટી સંખ્યામાં લોકો મુંબઈ અને અન્ય રેડઝોન વિસ્તારોમાંથી કચ્છ આવી રહ્યા છે. આ સ્થિતિમાં તંત્રએ વતન આવી રહેલા લોકોને 'વેલકમ છે પણ નિયમો પાળો' તેવી અપીલ સાથે હવે જે કોઈ વ્યકિતના ઘરે બહારનું કોઈ આવશે તે સમગ્ર પરિવારને હોમ કવોરેન્ટાઈન કરવાનું શરૂ કર્યુ છે.
કચ્છમાં બહારથી વ્યક્તિના સંપૂર્ણ પરિવારને હોમ કવોરેન્ટાઈન કરાશે
તંત્ર મુખ્ય ચેકપોસ્ટ પર ઓનલાઈન એન્ટ્રી કરે છે જેની જાણ જે તે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને થાય છે અને તેમને હોમ કવોરેન્ટાઈન કરી લેવામાં આવે છે. આ ઉપરાંત જે-તે ગામના સરપંચ અને તલાટીને પણ આ અંગેની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.
આ ઉપરાંત લોકોને જાગૃતિની અપીલ સાથે તેમણે કહ્યું હતું કે હોમ કવોરેન્ટાઈનનો ભંગ અને પરમિશન વગર આવનાર લોકોની જાણકારી માટે તંત્રને સ્થાનિકોએ સહકાર આપવો જોઈએ. માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે.