કચ્છ:લો પ્રેશરની અસર તળે સમગ્ર કચ્છમાં થયેલા સાવત્રિક વરસાદ બાદ કચ્છનું પાટનગર ભુજ શહેર ધોધમાર વરસાદથી બાકાત રહી ગયું હતું ભુજ વાસીઓ ની લાગણી ને માન આપતા મેઘરાજાએ આજે સવારથી સાંજ સુધીમાં ભુજમાં અઢી ઇંચ વરસાદ વરસાવીને શહેરને પાણી પાણી કરી નાખ્યું હતું.
આજે સવારથી જ ઝરમર વરસાદ સાથે વાતાવરણ વાદળછાયુ હતું અને લોકો ધોધમાર વરસાદની આશા રાખી રહ્યા હતા. એવામાં બપોર સુધીમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરીને અઢી ઇંચ વરસાદ સાથે તમામ જનજીવનને નવડાવી નાખ્યું હતું. આબાલથી વૃદ્ધ સૌ કોઈએ વરસાદની મજા માણી હતી. તો બીજી તરફ શહેરના પોશ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના પગલે લોકોએ તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
આ અંગે વાત કરતાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, "આજે સવારથી જ વાદળદાયું વાતાવરણ હતું. અમે સવારથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. લગભગ 12 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ થયો હતો અને શહેરભરમાં પાણી ભરાઈ હતા. લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ તંત્રની પ્રિમોન્સૂન કામગીરી લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો."