કચ્છઃ રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છમાં વધુ 50 ટકા વરસાદ સાથે ચાલુ સિઝનનો 212 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદના પગલે કચ્છમાં અનેક ડેમ બીજી વખત ઓવરફ્લો થયા છે. આ ઉપરાંત અનેક ગામની નદીઓ બે કાંઠે વહી રહી છે અને તળાવો છલકાઈ ગયા છે. વરસાદની આ સ્થિતીમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે વિજળી પડવાથી પાંચ ભેસના મોત થયા છે.
કચ્છમાં શ્રાવણ મહિનાના અંતથી જ વરસાદ વરસી રહ્યો છે. ધીમીધારે કચ્છની ધરતી પર છેલ્લા 36 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. કચ્છ જિલ્લાના નખત્રાણા-અબડાસા વિવિધ ગામના માર્ગો ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર પડી છે. જ્યારે શહેરમાં નીંચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા છે. જેના પગલે જનનજીવન અતિ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે.
ભૂજ સ્થિત ડિઝાસ્ટર મામલતદાર કચેરીના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રવિવારે સવાર સુધીમાં કચ્છમાં 162 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે આજે સોમવાર સહિતના વરસાદ બાદ ટકાવારી મુજબ કચ્છમાં 212.11 ટકા વરસાદ નોંધાઈ ચૂકયો છે.