કચ્છ : રાજ્યમાં બર્ફીલા પવન સાથે ડંખીલા ઠાર દિવસેને દિવસે લોકોની ધ્રુજાવી રહ્યો છે. જેથી જનજીવન પર તેની અસર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉત્તરાયણથી કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. ઠંડીનો ઠાર રાજ્યમાં જારી રહ્યો છે. તેમજ ઠારનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ચુકયું છે અને હવામાન વિભાગે વધુ એક દિવસ શીતલહેરની ચેતવણી જારી કરી છે, ત્યારે કચ્છી કાશ્મીર એવા નલિયામાં ફરી પારો ગગડ્યો છે અને લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રીએ પહોંચતા આકરી ઠંડી અનુભવાઈ હતી.
રાજ્યમાં પવન ફૂંકાવાની ઝડપ : ભુજમાં પણ પારો એક ડિગ્રી ગગડીને 9.7 ડિગ્રીના એકલ આંકમાં પહોંચ્યો હતો. રાજ્યમાં સરેરાશ 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનું જારી રહ્યું હતું. હજુ એક દિવસ આકરી શીતલહેરનો દોર જારી રહ્યા બાદ લઘુતમ પારો બેથી ચાર ડિગ્રી ઊંચકાતા ઠંડીમાં થોડી રાહત મળશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આખો દિવસ ગરમ વસ્ત્રો :કચ્છના નલિયાએ રાજ્યના શિત મથક તરીકે સ્થાન જાળવી રાખવા સાથે ન માત્ર રાત્રે પરંતુ વેગીલા પવનના કારણે દિવસે પણ તાપણું કરી ઠંડી સામે રક્ષણ મેળવવું પડે તેવી સ્થિતિનું સર્જન અબડાસા સહિત પશ્ચિમ કચ્છમાં થયું હતું. લોકોને આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડી રહ્યા છે.