Gujarat Weather Update : ભુજમાં ફેબ્રુઆરીમાં અસહ્ય ગરમીનો પ્રકોપ, 11 વર્ષનો તૂટ્યો રેકોર્ડ કચ્છ :કચ્છમાં ફેબ્રુઆરીના મધ્યથી જ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે અને ગરમીનો પ્રકોપ બપોરના સમય વર્તાઈ રહ્યો છે. જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતા 11 વર્ષના સમયગાળાનો રેકોર્ડ તૂટ્યો હતો.
36 થી 40 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે મહતમ તાપમાન :જિલ્લા મથકમાં 40.3 ડિગ્રી સાથે ભુજ ગરમ મથક બની ગયું હતું. છેલ્લાં અઠવાડિયાથી ભુજમાં મહતમ તાપમાન 36 ડિગ્રીથી 40 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. સૂકા રણપ્રદેશ એવા સરહદી જિલ્લા કચ્છમાં અબડાસા તાલુકાના નલિયામાં ઠંડીનો ચમકારો વધુ હોય છે તો આ વખતે જિલ્લા મથક ભુજમાં મહત્તમ તાપમાન વધુ નોંધાતા લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો પડી રહ્યો છે.
હજુ ઉનાળાના મુખ્ય મહિનાઓ બાકી :કચ્છમાં એક બાજુ સવારે અને મોડી સાંજે લોકો ઠંડક અનુભવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ બપોરના 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી લોકો ગરમીનો પ્રકોપ સહી રહ્યા છે અને આ તો હજુ ફેબ્રુઆરી મહિનો છે ત્યારે 40 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. હજુ તો જેઠ અને વૈશાખ જેવા ઉનાળાના મુખ્ય મહિનાઓ બાકી છે અને તાપ વરસી રહ્યો છે તો આવનારા દિવસમાં ઉનાળો કેટલો આકરો બનશે.
ગરમીનો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો :સવારે અને રાત્રે ઠંડીના ચમકારા સાથે દિવસે બફારાના વાતાવરણના કારણે વિષમતા સર્જાતા શરદી, ઉધરસ, કફ તેમજ માથાના દુખાવો અને અંગ જકડાઈ જવા જેવી તકલીફો જોવા મળી રહી છે. 11 વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં અનુભવાયેલી ગરમીનો વિક્રમ તૂટ્યો છે. વર્ષ 2017ની 19 ફેબ્રુઆરીએ જિલ્લા મથક ભુજમાં મહતમ તાપમાન 39 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા 11 વર્ષના સમયગાળામાં ભુજમાં ફેબ્રુઆરીમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઇ છે.
આ પણ વાંચો :Gujarat Weather Update : ગુજરાતમાં ગરમી વધી, ભુજમાં 40 ડિગ્રી સાથે 71 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પ્રકોપ વધ્યો :હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ મહતમ તાપમાન ધીમે ધીમે ઊંચકાઈ રહ્યો હતો અને હાલમાં મહતમ તાપમાનનો પારો એક ઝાટકે 3 ડિગ્રી જેટલો ઉંચે ચડીને 40.3 ડિગ્રીએ પહોંચતાં આકરો તાપ વરસ્યો હતો. ગ્લોબલ વોર્મિંગના કારણે કલાઈમેન્ટ બદલાઈ રહ્યું છે અને ખરેખર જે તાપમાન હોવું જોઈએ ભુજમાં તેના કરતાં વિપરીત નોંધાઈ રહ્યું છે. છેલ્લાં કેટલાક વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે. સામન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં 35 ડિગ્રી જેટલો તાપમાન નોંધાતો હોય છે, જ્યારે આ વર્ષે 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ પણ આગામી 2 દિવસ સુધી મહતમ તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે જળવાઈ રહેશે અને ત્યાર બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઓછું થશે.
આ પણ વાંચો :Issues of water scarcity 2023 : ઉનાળામાં રહેશે પાણીનો કકળાટ? પાણીનો જથ્થો ઓછો છે? સરકાર કેવી રીતે કરશે વ્યવસ્થા જાણો