ભુજઃ પ્રવાસીઓને યોગ્ય માહિતી, રહેવાની તેમજ જમવાની સુવિધા પૂરી પાડવા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વે-સાઈડ એમેનિટિઝ ઊભી કરવામાં આવી છે. જેના ભાગ રૂપે 3 વર્ષ અગાઉ ભુજમાં પણ આ પ્રકારની એમેનિટિઝ ઊભી કરવામાં આવી હતી.આ એમેનિટિઝમાં સીસીટીવી,લાઈટ, પંખા અને વોટરકૂલર જેવી સગવડો કરવામાં આવી હતી. કરોડના ખર્ચે તૈયાર થયેલ આ એમેનિટિઝ આજે ધૂળ ખાઈ રહી છે.
કચ્છમાં પ્રવાસીઓનો ધસારોઃ છેલ્લાં બે દાયકાથી કચ્છમાં વિકસેલા પ્રવાસનને લીધે કચ્છમાં રણોત્સવ અને દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહે છે. આ પ્રવાસીઓની સંખ્યા એટલી હોય છે કે જિલ્લાના મુખ્ય મથક ભુજની બધી જ હોટેલ અને ગેસ્ટ હાઉસ ફૂલ થઈ જાય છે. તેથી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 3 વર્ષ પહેલાં કચ્છમાં સામખિયાળી, આડેસર અને ભુજની સરહદે મિરજાપર હાઈવે પર વે- સાઈડ એમેનિટિઝ સ્થાપી હતી. જો કે 3 વર્ષ થયા છતા હજુ સુધી તે કાર્યરત ન થતા અવાવર અવસ્થામાં ધૂળ ખાઈ રહેલી જોવા મળે છે.
વિશ્રામ ગૃહ જર્જરિત હાલતમાંઃ પ્રવાસીઓને યોગ્ય માહિતી મળી રહે, રાકાવા તેમજ જમવાની યોગ્ય સગવડ મળી રહે તે માટે કરોડોના ખર્ચે આ વે-સાઈડ એમેનિટિઝનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે આ એમેનિટિઝની વર્તમાન સ્થિતિ કોઈ ભૂતબંગલાથી કમ નથી. એક ગેટ ખુલ્લો છે, બીજા ગેટ પર આડશ તરીકે બાવળ મુકવામાં આવ્યા છે, પ્રવાસીઓના રોકાવા માટેના રુમનો દરવાજો કોઈએ તોડવાની કોશિશ કરી હોય તેવો છે. તેના પર તિરાડો પડી ગઈ છે. કેમ્પસમાં ઠેર ઠેર ધૂળના થર જામી ગયા છે. દિવાલોના પણ પોપડા ઊખડી ગયા છે. 3 વર્ષથી બિનવપરાશ સ્થિતિમાં હોવા છતા દર બે મહિને 4,185 જેટલું સરેરાશ લાઈટ બિલ આવે છે. 3 વર્ષનું કુલ બાકી લાઈટબિલ 67,883 રુપિયા છે. આ લાઈટબિલ ગુજરાત પ્રવાસન વિભાગ, મિરજાપર હાઈવે ઓફિસના નામે આવે છે.