સમગ્ર કચ્છમાં અને ખાસ કરીને અંજાર મુંદરા વાગડ પંથકમાં વ્યાપક વરસાદના લીધે તલ, મગ, મઠ, બાજરો જેવા ખરીફ પાકની હાલત બગડતા ખેડૂતોને રોવાનો વખત આવે તેવા એંધાણ છે. રાપર તાલુકામાં મોસમનો કુલ વરસાદ 801 મિ.મી. રહ્યો છે. પરિણામે લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. શ્રાદ્ધ પૂર્ણ થતાં અને નવરાત્રિ શરૂ થતાં મેઘરાજાએ પણ નૂર હણી લીધું હોય તેવો ત્રણ દિવસથી માહોલ સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી વરસાદ નહીં, જાણે અરમાનોનો કડૂસલો બોલવાથી આફત વરસી રહી હોય તેવો સિનારિયો જોવા મળી રહ્યો છે.
મોંઘી ખેડ, મોંઘી વાવણી અને ખર્ચના ખાડામાં ઉતર્યા પછી મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો તાલ છે. રતનાલના યુવા ખેડૂત દેવજી આહીરના કહેવા મુજબ વરસાદની સાથે વાયેલો વાયરો ખેડૂતો માટે વેરી બન્યો છે. મોલ પાકવા પર હતો અને હવે વરસાદ સાથેના વાયરાએ મોલને ભો ભીતર કરી દેતા હવે મોલ કોહવાઈ જશે એટલે પશુ પણ એ બગડી ગયેલા ચારાને ખાઇ શકશે નહીં. વેદના વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, બાજરી, મગ, ગુવાર, તલ, જુવાર, મઠ વિગેરે પાકોનો આ વરસાદી ઝડીએ સોથ બોલાવી દીધો છે.