કચ્છ :વિશ્વના સૌથી ઊંચા પર્વત ધરાવતી હિમાલય પર્વતમાળાના ગર્ભમાં પૃથ્વીના અનેક રહસ્યો છુપાયેલા છે. તેથી જ નિષ્ણાંતો હિમાલયના પર્વતો પર સતત સંશોધન કરતા હોય છે. ત્યારે હાલમાં સંશોધકોએ ભારતનો પહેલો એરિયલ જિયો પાર્ક શોધ્યો છે. લદાખ પાસે આવેલા હિમાલય પર્વતમાળાની ઝંસ્કાર રેન્જ ભારતના પહેલા એરિયલ જિયો પાર્ક તરીકે ઓળખાય છે. કચ્છ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સના બે પ્રોફેસર અને અન્ય નિષ્ણાતો દ્વારા આ અંગે એક રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું હતું કે, ઝંસ્કાર રેન્જ ભારતના પ્રથમ એરિયલ જિયો પાર્ક તરીકે વિકસી શકે તેવું સક્ષમ છે. આ રિસર્ચ પેપર એક પ્રતિષ્ઠિત પિઅર રિવ્યૂડ જર્નલમાં પણ પ્રકાશિત થયું છે.
ઝંસ્કાર રેન્જ :હાલમાં જ સંશોધકોએ હિમાલય પર્વતમાળાની ઝંસ્કાર રેન્જને ભારતની પ્રથમ એરિયલ જિયો હેરિટેજ સાઈટ તરીકે ઓળખાણ આપી છે. સામાન્યપણે કોઈપણ સ્થળનું ભૂસ્તરશાસ્ત્ર જાણવા તેને નજીકથી જોવું પડે છે. પરંતુ સંશોધકો મુજબ આ ઝંસ્કાર રેન્જનું વિહંગાવલોકન પણ તેની જિયોલોજી વિશે ઘણું સમજાવે છે.
કેવી રીતે થઈ શોધ ? કચ્છ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડો. મહેશ ઠક્કરે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીના ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજી સંશોધકોએ 2015 થી ઝંસ્કાર રેન્જ પર સંશોધન કરવાનું શરૂ કર્યું હતું. સંશોધનમાં એક વખત કાશ્મીર સુધી હવાઈ સફર દરમિયાન ટીમના લોકોએ પ્લેનમાંથી ઝંસ્કાર વેલીના દ્રશ્યો જોયા હતા. હિમાલય પર્વતમાળામાં અન્ય ક્યાંય જોવા ને મળે તેવા આહલાદક દ્રશ્યો અહીં સામે આવતા સંશોધકોએ પહેલી વખત એરિયલ જિયો હેરિટેજ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારથી ઝંસ્કાર વેલીને ભારતની પ્રથમ એરિયલ જિયો હેરિટેજ સાઈટ તરીકે ઓળખ મળી હતી.