મનોદિવ્યાંગ દ્વારા બનાવાય છે નાળિયેરના રેસામાંથી ગણેશજીની મૂર્તિઓ, દિવ્યાંગ લોકોને મળે છે રોજગારી કચ્છ: શ્રાવણ માસ પૂર્ણ થતાની સાથે જ ગણપતિ ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ જતો હોય છે. જિલ્લામાં દર વર્ષે ગણેશજીની મૂર્તિ બનાવતા શ્રમજીવીઓ છેક કલકત્તા, દિલ્હી, મહારાષ્ટ્ર, અમદાવાદથી ગણપતિજીની વિવિધ નાની મોટી મૂર્તિ કચ્છમાં લાવી અને વેપાર કરતા હોય છે. તો કચ્છના રાપર ખાતે સામાજીક સંસ્થા વર્ષોથી દિવ્યાંગ લોકોના સેવા કાર્યમાં જોડાયેલી છે. આ સંસ્થા ખાતે શારીરિક તેમજ મનોદિવ્યાંગ લોકો નાળિયેરના રેસા માંથી તેમજ માટીમાંથી ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ બનાવે છે.
મનોદિવ્યાંગ દ્વારા બનાવાય છે નાળિયેરના રેસામાંથી ગણેશજીની મૂર્તિ "સંસ્થાના દિવ્યાંગ લોકો દ્વારા દર વર્ષે નાળિયેરના રેસામાંથી અને માટીની એમ બે પ્રકારની મૂર્તિ બનાવવામાં આવે છે. દિવ્યાંગ લોકોના રોજગાર હેતુ આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે 350થી 400 જેટલી મૂર્તિ બનાવવામાં આવે છે. 9 ઇંચથી અઢી ફૂટ સુધીની સાઇઝમાં નાળિયેરના રેસાની મૂર્તિ બનાવવામાં આવે છે જે 600 રૂપિયામાં વેચાય છે. જ્યારે માટીની અડધાથી અઢી ફૂટની મૂર્તિ 400થી લઈ 2500 સુધીમાં વેચાણ કરી રહ્યા છે અને તેના થકી દિવ્યાંગ લોકોને રોજગારી મળી રહે છે. દર વર્ષે બનાવવામાં આવતી તમામ મૂર્તિઓનું વેચાણ થઈ જતું હોય છે. આ વર્ષે પણ સારા વેપારની આશા છે.--" ગણપત પુરોહિત (રાપર ગ્રામ્ય સેવા સંગઠન સંસ્થા)
લોકોની સેવા સાથે સંકળાયેલ: ગ્રામ્ય સેવા સંગઠન સંસ્થા રાપર વિસ્તારમાં જીવદયા મંડળ હસ્તક કાર્યરત છે. છેલ્લા બે દાયકાથી આ સંસ્થા દિવ્યાંગ લોકોની સેવા સાથે સંકળાયેલ છે. નિરાધાર દિવ્યાંગ અને મનો દિવ્યાંગ બાળકો તેમજ યુવાનોને પગભર કરવાની કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. અહીં નાના મોટા દિવ્યાંગજનોને તેમજ મનોદિવ્યાંગ લોકોને આશ્રય આપવામાં આવે છે. સંસ્થામાં મંદબુદ્ધિના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપી તેમને સારવાર સાથે અન્ય પ્રવૃત્તિઓમાં સમાવીને તેમનો માનસિક વિકાસ કરવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. સંસ્થામાં રહેતા દિવ્યાંગ ભાઈ બહેનોને ગિફ્ટ આર્ટિકલ અને ઘર સુશોભનની વિવિધ વસ્તુઓ બનાવવાની વ્યવસાયલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે.
મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર:ભુજના સંતોષી માતાના મંદિરથી જ્યુબિલી ગ્રાઉન્ડ તરફ જતા માર્ગ પર રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી આયોજિત રાપરના ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા સંચાલિત નાળિયેરના રેસાની અને માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનો સ્ટોલ સંગઠનના શૈલેષ કોઠારીના માર્ગદર્શન હેઠળ શરૂ થયો છે. સંસ્થામાં રહેતા માનસિક તેમજ શારીરિક દિવ્યાંગો દ્વારા તૈયાર થયેલ માટીની તેમજ નાળિયેરના રેસાની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે.
મનો દિવ્યાંગ લોકોને રોજગારી: ગ્રામ્ય સેવા સંગઠન દ્વારા વર્ષ 2012માં પ્રથમ વખત મનો દિવ્યાંગ લોકોને નાળિયેરના રેસા માંથી મૂર્તિ બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 17 જેટલા લોકોએ આ ટ્રેનિંગ મેળવી સુકા નાળિયેરના રેસામાંથી ગણપતિની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી હતી. હાલમાં 50 જેટલા મનોદિવ્યાંગ લોકો આ કાર્ય કરી રહ્યા છે. પૂરા વર્ષ દરમિયાન અહીંના શારીરિક તેમજ મનોદિવ્યાંગ લોકો આ મૂર્તિઓ બનાવે છે અને વર્ષભરમાં તૈયાર થયેલ મૂર્તિઓને કચ્છના વિવિધ શહેરોમાં વેચાણ માટે મૂકવામાં આવે છે. તેમાંથી થતી આવક દ્વારા મનોદિવ્યાંગ લોકોને રોજગારી મળે છે.
- Ganesh Chaturthi 2023: ન્યૂઝ પેપર અને ટીસ્યુ પેપરથી બનેલી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બની આકર્ષણનું કેન્દ્ર
- Eco-Friendly Ganesh Chaturthi 2023: વડોદરામાં 400 ઘાસના પૂળામાંથી ગણેશજી તૈયાર, ઉત્સવની સાથે પર્યાવરણનું રખાયું ધ્યાન