લોકડાઉનઃ પોલીસ અને પ્રજા વધુ નજીક આવ્યા, ગાંધીધામમાં પોલીસ કાફલાને જોઈ લાગ્યા જિંદાબાદના નારા
કચ્છમાં લોકડાઉન વચ્ચે અનેક લોકો ઘરની બહાર નિકળીને કાયદાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર કામગીરી કરીને લોકોડાઉનના અમલીકરણ માટે પ્રયાસ કરી રહ્યા છે. આ સ્થિતીમાં પ્રજામાં પોલીસ મિત્ર હોવાની લાગણી જોવા મળી રહી છે. કચ્છના રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીને આ સ્થિતીનો સાક્ષાત્કાર ગાંધીધામ ખાતે થયો હતો. ગાંધીધામમાં રૂટીન નિરક્ષણ માટે નિકળેલા પોલીસ કાફલાને જોઈને લોકોએ પોતાના ઘરની બાલ્કનીમાંથી કચ્છ પોલીસ જિંદાબાદના નારા લગાવીને પોલીસને સન્માન આપ્યુ હતું.
કચ્છઃ બનાસકાંઠા બોર્ડર રેન્જ IG સુભાષ ત્રિવેદીએ પૂર્વ કચ્છમાં ગાંધીધામ ખાતે કોરોના વાઇરસ અન્વયે કારાયેલા લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરી હતી. DIG ત્રિવેદીએ જણાવ્યું કે પૂર્વ કચ્છમાં પોલીસવડા પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ લોકડાઉનનું ચુસ્ત અમલીકરણ થઇ રહ્યું છે. કંડલા બંદર કાર્યરત હોવાના કારણે બહારથી આવતા લોકોની અવર-જવર રહે છે. ચેકપોસ્ટમાં તપાસ કરીને આવતા લોકોને રોકવા, બીમાર લોકોને આવવાની વ્યવસ્થા ગોઠવવી, દવા-ખોરાક વિના નિ:સહાય બની ગયેલા ગરીબ પરિવારોનો પૂર્વ કચ્છ પોલીસે ધ્યાન રાખ્યું છે. લોકોને ખોરાક અને રાશન પહોંચાડ્યા છે. વરિષ્ઠ નાગરિકોના બેન્કનાં કામ પણ પોલીસે કરી આપ્યાં છે. કોરોના વાયરસને નાથવા ઘરમાં જ રહેવું એક માત્ર ઉપાય હોવાનું જણાવી તેમણે લોકોને કોઈ પણ તકલીફ હોય તો 100 નંબર ઉપર ફોન કરો, પોલીસ 10 મિનિટમાં જ' તમારા પાસે પહોંચી જશે, પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.