કચ્છ:સરહદી વિસ્તાર કચ્છ આમ તો રણ પ્રદેશ તરીકે ઓળખાય છે પંરતુ કચ્છ પણ હવે દેશ અને વિદેશમાં નામના ધરાવતો થયો છે. કચ્છમાં આવેલ સફેદ રણ જે આજે દેશ નહિ પંરતુ વિદેશમાં પણ ડંકો વગાડી રહ્યો છે. આ વખતે G-20 ની સમીટ ભારતમાં યોજવા જઈ રહી છે ત્યારે આ G-20 માં પણ કચ્છ સામેલ થયું છે. આગામી ફેબ્રઆરી 7થી 10 સુધી G-20 ની સમીટ કચ્છમાં યોજાવાની છે.
પ્રવાસન વિષય પર ચર્ચા:G-20 ની સમીટને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. G-20 સમીટ દરમ્યાન વિવિધ 20 દેશના ડેલીગેટ્સ અને 27 દેશોના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ સાથે સરકારના વિવિધ સચિવો અને વીઆઇપી ગેસ્ટ પણ કચ્છ આવશે અને પ્રવાસન વિષય પર ચર્ચા કરશે.
વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ:કચ્છ કલેકટર દિલીપ રાણાએ G 20 અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે G-20 ની બેઠકમાં કચ્છના પ્રવાસન સ્થળો ધોરડોથી ધોળાવીરા અને સમૃતિવન સહિતનો સમાવેશ કરવામાં આવ્યું છે. 9 તારીખના G-20માં આવેલ તમામ દેલિગેટ્સ ધોળાવીરાની મુલાકાત લઈ પ્રવાસન અંગે ચર્ચા તેમજ સમીક્ષા કરશે. બેઠકમાં પ્રવાસન વિષય પર ચર્ચા વિચારણા કરશે. આ તમામ તૈયારીઓ વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર કરી રહ્યું છે ધોરડોથી ધોળાવીરા જવા માટેનો રસ્તો, ધોળાવીરામાં ટેન્ટ સિટીની તૈયારીઓ, રણોત્સવમાં કોન્ફરન્સ હોલ,લાઇટ, પાણી સહિતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
G-20 સમીટ કચ્છ માટે ગેમ ચેન્જર:ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના એકસિક્યુટિવ નિરલ પવાણીએ જણાવ્યું હતું કે, G-20 કચ્છમાં યોજાઇ રહ્યું છે એ કચ્છની જનતા માટે ગૌરવની વાત છે કે G-20ની બેઠક માટે કચ્છને પસંદ કરવામાં આવ્યું છે. ભારતની જીડીપીમાં પ્રવાસન ક્ષેત્રનો સૌથી મોટું યોગદાન રહ્યું છે તો કચ્છના લોકો માટે આ ખુશીની વાત છે કે G-20 ના માધ્યમથી પ્રવાસના ટ્રેકની પેહલી બેઠક કચ્છમાં થવાની છે. G-20 ની આ બેઠક કચ્છ માટે ગેમ ચેન્જર સાબિત થશે.