કચ્છ: ભૂજ ખાતે શનિવારે વિન્ટેજ કારના કાફલા સાથે વિદેશી પ્રવાસીઓનું એક ગ્રુપ પહોંચ્યું હતું. કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાએ કચ્છની પરંપરાગત મુજબ આ વિન્ટેજ કારમાં આવેલા તમામ મહેમાનોને આવકાર્યા હતા. આ ઉપરાંત સ્થાનિકોએ રાજવી પરિવારના રહેણાક એવા રણજીત વિલાસ પેલેસ ખાતે આ વિન્ટેજ કારને જોવાનો લ્હાવો લીધો હતો.
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા વિદેશી બ્રાહ્મણ વીરોને ભારતમાં વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરવા અને ભારતીય સંસ્કૃતિની વિરાસત વારસાથી વાકેફ કરવા માટે આ પ્રવાસનું આયોજન કરાયું છે. આ ગ્રુપે દિલ્હીથી પ્રવાસ શરૂ કર્યો અને 23 દિવસમાં ચાર હજાર કિમીનો પ્રવાસ કરી પરત વિદેશ જશે.
વિન્ટેજ કાર સાથે વિદેશ મહેમાનો કચ્છની સહેલગાહે, રાજવી પરિવારે આપ્યો આવકાર મોંઘીદાટ ગાડીઓના વિશાળ કાફલામાં વિન્ટેજ કાર ખાસ આકર્ષણ બની હતી. આ યાત્રા શુક્રવારે કચ્છના આડેસરથી 16 કિ.મી નંદા બેટ પહોંચી હતી અને શનિવારે ભુજ પહોંચી હતી. આ ગ્રુપ 12 જેટલી વિન્ટેજ કાર સાથે 21 ગન સેલ્યુટ હેરિટેજ કલ્ચર ટ્રસ્ટના નેજા હેઠળ પ્રવાસે નીકળ્યું છે. આ ગ્રુપ શનિવારે ભુજ બાદ માંડવી દરીયા કિનારે અને ત્યાંથી વાંકાનેર, રાજકોટ, ગોંડલ, સાસણગીર, ભાવનગર, વડોદરા, ડુંગરપુર થઈને ઉદયપુર ખાતે યાત્રા પૂર્ણ કરશે.
રાજવી પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ આ પ્રવાસ અંગે જણાવ્યું હતું કે, રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાએ કચ્છના પરંપરા મુજબ આ વિદેશ મહેમાન માટે પોતાના રહેણાંક રણજીત વિલાસ પેલેસ ખાતે તેમનો આવકાર કાર્યક્રમ યોજ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, શનિવારે આ કાફલો માંડવી જવા માટે રવાના થશે.