કચ્છ: વરસાદની આતુરતાથી રાહ જોતા કચ્છીમાડુઓ પર ઝરમરથી ઝાપટારૂપે આવી પહોંચેલા મેઘરાજાએ જિલ્લાના મોટાભાગના તાલુકા,મથકો અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઈને 1 થી 3 ઈંચ સુધી વરસાદ વરસાવ્યો હતો.
કચ્છીમાડુઓ પર મેઘરાજા મહેરબાન, 1થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો - કચ્છ જિલ્લાના સમાચાર
કચ્છ જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભ થતા ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીથી કચ્છીમાડુઓને રાહત મળી હતી. આશરે 1થી ૩ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુરુવારે બપોરથી ભુજ, મુંદ્રા, માંડવી, રાપર પંથકમાં મેઘરાજાએ વરસવાનું શરૂ કરતા મુંદ્રામાં બપોરે 2 થી 4 વાગ્યાના ગાળામાં 65 મીમી વરસાદ નોંધાયો હતો. આ પછી સાંજે ચાર વાગ્યાથી માંડવી પંથકમાં પણ સારા વરસાદના સમાચાર મળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસમાં કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ ડિઝાસ્ટર મામલતદાર કચેરીના સત્તાવાર આંકડાઓ મુજબ સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં અંજારમાં 54 મીમી, અબડાસામાં 46 મીમી, ગાંધીધામમાં 15 મીમી, નખત્રાણામાં 23 મીમી, ભચાઉમાં 44 મીમી, માંડવીમાં 0 મીમી, અને લખપતમાં 21 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં અંજારમાં 54 મીમી, અબાડાસામાં 46 મીમી, ગાંધીધામમાં 15 મીમી, નખત્રાણામાં 30 મીમી, ભચાઉમાં 44 મીમી, મુન્દ્રામાં 65 મીમી, માંડવીમાં 61 મીમી, રાપરમાં 15 મીમી અને લખપતમાં 21 મીમી વરસાદ નોંધાયો છે.