- કૃષિ કાયદાના વિરોધમાં ભારતીય કિસાન સંઘ દ્વારા પ્રતીક ધરણા
- જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા ધરણા કાર્યક્રમમાં
- મુખ્યમંત્રી કિસાન સહાય યોજનમાંથી વળતર આપવા સહિતના મુદ્દે આવેદનપત્ર
કચ્છ: કેન્દ્ર સરકારના કાયદા વિરૂદ્ધના પ્રતીક ધરણામાં મુખ્યપ્રધાન કીસાન સહાય યોજના હેઠળ કચ્છના ખેડૂતોને વળતર ચુકવવામાં આવે, મીટર પ્રથા બંધ કરવામાં આવે, ખેત ઓજારો પર જીએસટી રદ કરવામાં આવે અને નર્મદાના પાણી આપવામાં આવે વિગેરે મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઘણા લાંબા સમય બાદ ખેડૂતોના પ્રશ્ને ધરણા સહીતના કાર્યક્રમો ભારતીય કીસાન સંઘ દ્વારા યોજાઇ રહ્યા છે. અગાઉ વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવીને માત્ર સંતોષ માની લેતા કીસાનસંઘે હવે અભી નહી તો કભી નહીનો મુડ બનાવ્યો છે.
મોંઘવારીને ધ્યાનમાં રાખી પાકના ટેકાના ભાવમાં 15 ટકાનો વધારો નિયમમાં આવે
કેન્દ્ર સરકાર પાસે કિસાનોએ માંગણી કરી હતી કે, નવા બનેલા કૃષિ કાયદામાં દર વર્ષે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખી પાકના ટેકાના ભાવમાં 15 ટકાનો વધારો નિયમમાં આવે, લાયસન્સ વગરના વેપારીઓ દ્વારા કરવામાં આવતી પાકની ખરીદી પર રોક લગાડવા અને પહેલાની જેમ કાયદેસર પરવાનગી ધરાવતા વેપારીઓ જ પાક ખરીદી શકે એવી જોગવાઈ કરવા તથા કિસાનો સાથે થતી આર્થિક છેતરપિંડી સહિતના બનાવો માટે જિલ્લામાં અલગ કિસાન ન્યાયાલય સ્થાપવામાં આવે. જેથી ખેડૂતોને જલ્દી ન્યાય મળી શકે.
નર્મદાના 1 મિલિયન હેક્ટર પાણી પહોંચાડવાની જે જાહેરાત કરાઈ છે તેના માટે મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માગ પણ ઉઠી
રાજ્ય સરકાર પાસે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા રહે એવી જાહેરાત મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવે, કચ્છમાં નિયમોનુસાર દુષ્કાળ જાહેર કરી નિષ્ફળ વાવેતરનું વળતર ચુકવવામાં આવે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલના પાણી કમાન વિસ્તાર હેઠળ કચ્છને મળવા જોઈએ એ નથી મળી રહ્યા તે તાત્કાલિક ધોરણે મળતા કરવા જોઈએ તથા 2022 સુધી પશ્ચિમ કચ્છના માંડવી તાલુકાના મોડકુંબા સુધી નર્મદા કેનાલમાં પાણી પહોંચાડવાની વાત હતી તેનો અમલ થાય તે માટે આદેશ કરવા અને ખેડૂતોને કેનાલ મારફતે આવતું પાણી ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે. હાલ જે પૂર્વ કચ્છના રાપર અને ભચાઉ તાલુકાના વિસ્તારોમાં નર્મદા કેનાલનું પાણી મળે છે તે ખેડૂતો સ્વખર્ચે મેળવી રહ્યા છે. જ્યારે રૂપિયા 3475 કરોડના ખર્ચે વધારાનું 1 મિલિયન હેક્ટર પાણી પહોંચાડવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના માટે મંજૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એવી માંગણીઓ પણ રાજ્ય સરકાર સમક્ષ મુકવામાં આવી હતી.