માનવજ્યોત સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમ દ્વારા 20 મસ્તરામોને આજે વિદાય અપાઈ હતી. મસ્તરામો પણ ખુશખુશાલ બનીને પરીવાર સાથે રવાના થયા હતા. તમામને મહારાષ્ટ્રના કર્જતમાં કાર્યરત શ્રધ્ધા ફાઉન્ડેશન ખાતે મોકલી અપાયાં છે. અહીંથી આ સંસ્થા તમામને તેમના વતનમાં પરિવારજનો પાસે મોકલી આપશે.
પાલારામાં આશ્રય મેળવનારાં 20 મસ્તરામોને વિદાય, દિવાળી ઘરે મનાવશે સિનિયર પેરાલીગલ વૉલન્ટિયર અને સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું કે, વીસ મસ્તરામોમાં પશ્ચિમ બંગાળના 4, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારના 3-3 તેમજ ઉત્તર પ્રદેશ, નેપાળ, ઓડિશા, તામિલનાડુ, ઝારખંડ, હરિયાણાના 1-1નો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, આ માનસિક દિવ્યાંગો ભુજમાં છેલ્લાં અઢી વર્ષ દરમિયાન અલગ અલગ સમયે મળી આવ્યાં હતા. તેમને અહીં આશરો આપીને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના ડૉક્ટરની મદદથી સારવાર આપવામાં આવી હતી.
માનસિક દિવ્યાંગોને વિદાય આપવા સંસ્થામાં યોજાયેલાં કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ બી.એન.પટેલ, ગુજરાત રાજપુત યુવા સંઘ, કચ્છ એકમના પ્રમુખ રામદેવસિંહ જાડેજા, ઈન્દ્રજીતસિંહ જાડેજા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.