કચ્છ :કોઈ પણ ક્ષણને હંમેશ માટે જીવંત બનાવતી કોઈ કલા હોય તો એ ફોટોગ્રાફીની કલા છે. ફોટોગ્રાફીની કલાને પ્રોત્સાહન આપવા માટે અવારનવાર કાર્યો થતાં હોય છે. ગુજરાતના સૌથી જૂના અને ઐતિહાસિક મ્યુઝિયમ કચ્છ સંગ્રહાલય દ્વારા કલા કારીગરીને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. તો વિવિધ પ્રસંગે તેને અનુરૂપ કાર્યક્રમ અને સ્પર્ધાઓ પણ યોજવામાં આવતી હોય છે. જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો કચ્છ મ્યુઝિયમની મુલાકાત લેતા હોય છે. આ મ્યુઝિયમને ફક્ત પ્રાચીન વસ્તુઓ સુધી સીમિત નથી રાખ્યું. પરંતુ કચ્છ સંગ્રહાલય દ્વારા આજના કલાકારોની કલાને પ્રોત્સાહન આપવા અનેક પ્રદર્શન અને વર્કશોપનું આયોજન કરવામાં આવતું હોય છે.
ફોટોગ્રાફી સ્પર્ધા : વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ સંદર્ભે કચ્છ મ્યુઝિયમ દ્વારા "મારું કચ્છ" વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્યારેય કોઈએ જોઈ ન હોય તેવી કચ્છની શ્રેષ્ઠ તસવીરોને જે તસવીરકારોએ સબમિટ કરી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાગ લીધેલા ફોટોગ્રાફરોમાંથી વિજેતા બનેલા 3 ફોટોગ્રાફર્સને કચ્છ રાજપરિવારના સહયોગ થકી ઈનામ આપવામાં આવ્યા હતા. તો વિજેતાઓ ઉપરાંત અન્ય 42 પસંદગી પામેલી તસવીરોને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.
શ્રેષ્ઠ તસવીર : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, સ્વતંત્રતા દિવસ અને વિશ્વ ફોટોગ્રાફી દિવસને સાંકળીને કચ્છ સંગ્રહાલય દ્વારા મારૂં કચ્છ વિષય પર ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફોટોગ્રાફી સ્પર્ધામાં કચ્છના પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ સમીર ભટ્ટ, પ્રકાશ ભટ્ટ અને આર્કિટેક્ટ શ્રીરાજસિંહ ગોહિલની નિર્ણાયક સમિતિ દ્વારા શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ત્રણ ફોટોગ્રાફર્સને શ્રેષ્ઠ તસવીરો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઈનામ આપવામાં આવ્યા હતા.
કુલ 159 જેટલા લોકોએ આ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લીધો હતો. મુખ્ય શ્રેણીમાં શ્રેષ્ઠ 3, શ્રેષ્ઠ 11 તસવીરો ઉપરાંત અન્ય પસંદ થયેલી 34 તસવીરો સાથે કુલ 45 તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. વર્લ્ડ ફોટોગ્રાફી દિવસના વિજેતા તસવીરકારોને ઈનામ વિતરણ કરવા સાથે પ્રદર્શનનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું.-- બુલબુલ હિંગલાચિયા (ક્યૂરેટર, કચ્છ મ્યુઝિયમ)