કચ્છના પૂર્વ કલેકટર રેમ્યા મોહનની સ્કીલ ડેવલપમેન્ટ એવોર્ડ માટે પસંદગી - કચ્છ
ભૂજઃ ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા કચ્છના પૂર્વ મહિલા કલેકટર રેમ્યા મોહનની સ્કીલ ડેવલપમેન્ટ એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. કૌશલ્ય વિકાસના ક્ષેત્રે કચ્છના મહિલા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા કચ્છમાં કૌશલ્ય વર્ધન અને સાહસિકતા જાગરૂકતા માટે કરવામાં આવેલ કામોના પ્રભાવોને માન્યતા આપીને અસાધારણ અને નવીન કાર્યની કદરરૂપે અને કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા કૌશલ્ય વિકાસ યોજનાઓની પસંદગી કરવા બદલ આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.
![કચ્છના પૂર્વ કલેકટર રેમ્યા મોહનની સ્કીલ ડેવલપમેન્ટ એવોર્ડ માટે પસંદગી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4344176-312-4344176-1567666011475.jpg)
વર્લ્ડ બેંક દ્વારા આજીવિકા પ્રમોશન માટેના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા જાગરૂકતા (સંકલ્પ) કાર્યક્રમની સ્વીકૃતિ, માન્યતા અને વિકાસ માટે કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા જિલ્લા કૌશલ્ય વિકાસ યોજનામાં શ્રેષ્ઠતા માટેના પુરસ્કારોની રચના કરાઇ હતી.
જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય ખાતે કચ્છ જિલ્લાની કૌશલ્ય વિકાસ યોજના રજૂ કરી હતી, જેની ભારત સરકાર દ્વારા પસંદગી કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ બેંક દ્વારા કૌશલ્ય વિકાસ માટે કોરિયાના અનુભવોના આધારે કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય દ્વારા ભારતમાં કુશળતા પ્રણાલીને વધુ મજબૂત કરવાના હેતુથી વૈશ્વિક ક્ષમતા, વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમના ધોરણો અને કૌશલ્ય વિકાસ માટે દુનિયાના અગ્રણી દેશો દ્વારા અનુસરવામાં આવતી પ્રચલિત શ્રેષ્ઠ પધ્ધતિઓ સમજવી જરૂરી બની છે.
કચ્છના પૂર્વ મહિલા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનને ભારત સરકાર દ્વારા સ્કીલ ડેવલપમેન્ટ એવોર્ડ માટે થયેલી પસંદગી ગુજરાત રાજય સહિત કચ્છ માટે પણ ગૌરવપ્રદ બાબત ગણાય તેમ છે. આ ઉપરાંત વર્લ્ડ બેંક દ્વારા કોરિયન અનુભવોના આદાન-પ્રદાન હેતુ ભારત સરકારના ડેલીગેશનમાં સામેલ થવા માટે કચ્છના પૂર્વ મહિલા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનને ભારત સરકાર દ્વારા આગામી 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ કોરિયાના પાટનગર સેઉલ ખાતે ગ્લોબલ એક્સપોઝર વિઝીટની તક પણ સાંપડી છે.