- કચ્છમાં ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
- દરેેક સમાજની ટુર્નામેન્ટનું વારાફરથી આયોજન કરવામાં આવે છે
- કોચિંગ સેન્ટરોમાં ક્રિકેટની પાયાથી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે
કચ્છ :જિલ્લાના વિવિધ મેદાનો પર ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છેલ્લા 5 વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. કચ્છમાં અલગ-અલગ મેદાનો પર જુદા-જુદા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજ, લોહાણા સમાજ, હિન્દુ પ્રીમિયર લીગ, દશનામ ગોસ્વામી સમાજ, ભાનુશાલી સમાજ, સોની સમાજ, મુસ્લિમ સમાજ, દલિત સમાજ, અખિલ બ્રહ્મસમાજ વગેરે સમાજની વારાફરથી ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે.
કચ્છમાં અવારનવાર જુદા-જુદા સમાજની ટુર્નામેન્ટનું આયોજન થાય છે
કચ્છમિત્ર કપ, હિલશિલ ટુર્નામેન્ટ તથા કચ્છ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-16, અંડર-19 જેવી ક્રિકેટ લીગનું પણ આયોજન થતું હોય છે. શાળકક્ષાએ ઉભરતા ક્રિકેટરોને પ્લેટફોર્મ આપવા માટે દર વર્ષે વિવિધ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. કચ્છમાં અવારનવાર જુદા-જુદા સમાજની ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે. જેનો મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે અને ખેલદિલીની ભાવના વધે તથા ખેલાડીઓમાં રહેલી આવડત બહાર લાવવાનો રહેલો છે.
કોચિંગ સેન્ટરોમાં ક્રિકેટની પાયાથી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે
કચ્છમાં ઘણી જગ્યાએ કોચિંગ સેન્ટરોમાં ક્રિકેટની પાયાથી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. ભુજમાં રોયલ ક્લબ, સ્પીડી એકેડમી, માંડવીમાં મસ્કા ક્રિકેટ એકેડમી દ્વારા ક્રિકેટ અંગેની કોચિંગ આપવામાં આવે છે. શાળકક્ષાએ મળતા કોંચિંગમાં પણ ઓલ્ફ્રેડ હાઇસ્કુલના વિષય શિક્ષક મહેશ પંડ્યાનું કોચિંગ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેના અંડરમાં આઠ ખેલાડીઓ નેશનલ લેવલે પસંદગી પામી ચુક્યા છે.
આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની ટીમને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
હાલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કચ્છ ક્રિકેટ એસોસિએશનની ટીમે જામનગર જિલ્લાની ટીમને તેમના ગ્રાઉન્ડ પીચ પર હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરત ધોળકિયા, મંત્રી અતુલ મહેતા, સહમંત્રી પ્રવિણ હિરાણી, અશોક મહેતા, જયેશ મહેતા, મહિપત સિંહ રાઠોડ, તથા સ્પીડી એકેડેમીના મુકેશ ગોર મહેતા અને રોયલ ક્લબના કુલદીપસિંહ જાડેજા ઉભરતા ક્રિકેટરો માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે.
આ પણ વાંચો : રબારીકા ગામમાં ગૌશાળાના લાભાર્થે રાત્રિપ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન