- આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- કચ્છમાં ચૂંટણીની તૈયારી પૂર્ણ
- સવારે 7થી સાંજે 6 કલાક સુધી મતદાન
કચ્છઃ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે આવતીકાલે રવિવારે મતદાન થવાનું છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા ચૂંટણી અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રોહિબિશનના કેસો, વાહન ચેકિંગ, નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ, પાસા-તડીપારનો હુકમ તેમજ સંવેદનશીલ મથકો પર પોલીસ બંદોબસ્ત સહિતની ચુસ્ત કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
કચ્છમાં ચૂંટણી અંતર્ગત પોલીસ તંત્ર સજ્જ મોબાઈલ વેન મારફતે પેટ્રોલિંગ કરાશે
પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં 6 તાલુકામાં જિલ્લા, તાલુકા તેમજ 3 શહેરી વિસ્તારમાં નગરપાલિકાની ચૂંટણી થશે. 23 તારીખથી આચારસંહિતા અમલી બની છે. અત્યાર સુધી સીઆરપીસી કલમ હેઠળ 2,963 વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે. પ્રોહિબિશનની 93 કલમ હેઠળ 517 કેસ થયા છે. આ સાથે તડીપારની 54 દરખાસ્ત કલેક્ટરને કરાઈ હતી. આ ઉપરાંત પાસાની 16 દરખાસ્ત સામે 8માં વોરન્ટ બજવણી થતાં શખ્સોને વિવિધ જેલમાં ધકેલાયા છે. પ્રોહિબિશન ડ્રાઈવમાં 535 કેસ કરાયા છે. જેમાં 3 ગણના પાત્ર છે. 31,609 વાહન ચેકિંગ કરાયાં છે. જેમાં 1500 વાહનો ડિટેઈન કરાયા હતા. 40 નાસતા-ફરતા આરોપીની ધરપકડ થઈ છે. આચારસંહિતાના અમલ માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઆરપી, બોડરવિંગ સહિત સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગમાર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરાયું છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં 1128 બૂથ પૈકી 234 સંવેદનશીલ છે, જ્યાં હથિયારધારી પોલીસ તેમજ હોમગાર્ડ જીઆરડીના જવાનો તૈનાત રહેશે. સામાન્ય મતનદાન મથકો પર એક પોલીસ સાથે જીઆરડી, હોમગાર્ડઝ જવાન ફરજ નિભાવશે. જિલ્લો મોટો હોવાથી મોબાઈલ વેન મારફતે પેટ્રોલિંગ કરાશે.
10,000 કર્મચારીઓ ફરજ પર
આવતીકાલે રવિવારે જિલ્લા-તાલુકા પંચાયતના 1434 અને નગરપાલિકાના કુલ 461 મતદાન મથકો મળી કુલ 1895 મતદાન મથકો પર મતદાન થશે. તમામ સ્ટાફને ઈવીએમની ફાળવણી કરી દેવાઈ છે. સાંજ સુધી સ્ટાફ જે તે મતદાન મથક પર પહોંચી જશે. ચૂંટણીલક્ષી તમામ કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવી કાયદો વ્યવસ્થા માટે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં 4,847 પોલીસ તૈનાત રહેશે. ચૂંટણી પ્રક્રિયા માટે રિઝર્વ સહિત 10,000 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.