કચ્છઃ રાજ્યના પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ ગુરુવારે કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે જખૌ બંદર ખાતે આગેવાનો, મત્સ્ય વિભાગના અધિકારીઓ અને માછીમારો સાથે તેમના પ્રશ્નો અને સમસ્યા અંગે ઝીણવટપૂર્વક છણાવટ કરી હતી. આ પ્રસંગે માછીમાર આગેવાનો અને સ્થાનિક માછીમારોને તેમને પડતી સમસ્યાઓ અને પ્રશ્નો અંગે પૃચ્છા કરી સબંધિત તંત્રને આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
પ્રવાસન પ્રધાન અને કાફલાએ જખૌ ખાતે જેટી અને પાણીના ટાંકા સહિત માછીમારી વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, પાણી પુરવઠા વિભાગ દ્વારા તત્કાલ પાણીની વ્યવસ્થા પૂરી પડાશે. આ ઉપરાંત મીઠી ડેમ ખાતેથી પીવાના પાણીની વ્યવસ્થા માટે મત્સ્ય ઉદ્યોગ દ્વારા 5 વર્ષ માટે કોન્ટ્રાકટ આપેલો છે. આ સાથે જ ફિશીંગ બાર નોટીકલ માઈલ્સની સમસ્યા પણ ઉકેલાશે અને રહેણાંકની વ્યવસ્થા પણ કરાશે.
જવાહર ચાવડાની કચ્છ મુલાકાત ડીઝલ સબસીડી માટે સરકારે નિયત કરેલી મર્યાદા પ્રમાણે સબસીડી અપાશે અને ભવિષ્યમાં આ અંગે કોઇ નીતિ ઘડાશે, તો એ મુજબ લાભ આપવા અંગે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર પ્રજાની સમસ્યા અને ઉકેલના નિર્ણયો કરવા તત્પર છે. આ સાથે જ રહેણાંકના પ્રશ્નો અને પ્રાથમિક સુવિધાઓ અંગે ઝડપથી અમલવારી કરવામાં આવશે.
જવાહર ચાવડા કચ્છની મુલાકાતે, જખૌ બંદરની સમસ્યાઓ ઉકેલવા કર્યું નિરીક્ષણ ગુજરાતનો ૨૫ ટકા એટલે કે ૪૦૫ કિ.મી. દરિયા કિનારો માત્ર કચ્છમાં છે. જેથી ફિશરીઝ વિભાગમાં સ્ટાફ તેમજ માછીમારોને બોટ લાયસન્સ, રજીસ્ટ્રેશન તેમજ અન્ય પડતી મુશ્કેલીઓ અંગે વિેવિધ રજૂઆત કરાઇ હતી. ભુજ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક જિજ્ઞેશ ગોહિલે જખૌ બંદર ખાતે અન્ય જિલ્લાઓના બંદરો જેવાં કે વલસાડ, ઉમરગામ, નવાપરા, ગીર-સોમનાથ, જૂનાગઢ, માંગરોળ, ઓખા, દ્વારકા, જામનગરથી આવતા માછીમારોના પગલે સર્જાતા પ્રશ્નો તેમજ મહેકમ અંગે માહિતી આપી હતી.
માછીમાર બોટ એસોસિએશન જખૌ બંદરના પ્રમુખ પીરઝાદા અબ્દુલાશા, સર્વોદય મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળીના આગેવાન આમદ હુસેન સંગાર, જખૌ ગ્રામ પંચાયત સરપંચ સીદીક ગજણ તેમજ વેપારી, માછીમારો અને માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.