- 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આપ્યો હતો સંકલ્પ
- કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ કરી હતી પહેલ
- સાંસદ વિનોદ ચાવડાને દેશી નામ આપવાની રજૂઆત કરી હતી
કચ્છઃ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ 'મન કી બાત' કાર્યક્રમમાં કચ્છના ડ્રેગન ફ્રૂટનું દાખલો આત્મનિર્ભર ભારત સંકલ્પ માટે આપ્યો હતો. જેથી કચ્છના ખેડૂતોની આ મહેનતને હવે સ્વદેશી ઓળખાણ આપવાનો પ્રયાસ શરૂ થયો હતો. આ વિદેશી ફ્રૂટ સમગ્ર દેશમાં ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાય છે. જેથી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ કચ્છના સાંસદને ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ નામ આપવાની રજૂઆત કરી હતી. આ સાથે ખેડૂતોએ હવેથી કચ્છમાં ઉત્પાદિત તમામ ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટના નામથી વેચાણ કરવાનો સંકલ્પ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં ઊંચી ગુણવત્તા તથા ઓછી જમીનમાં ડ્રેગન ફ્રૂટના વધુ ઉત્પાદન માટે કચ્છના ખેડૂતોને બિરદાવ્યા હતા. જેથી કચ્છના ખેડૂતોએ કિસાન કમલમ ફ્રૂટ પરિવારના નેજા હેઠળ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આ ફ્રૂટને કમલમ ફ્રૂટની ઓળખ આપવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત સાંસદ વિનોદ ચાવડાને નિમંત્રણ આપી કમલમ ફ્રૂટનું નામ સમગ્ર દેશમાં પ્રખ્યાત કરવા સરકાર પાસે રજૂઆત કરવા સૂચન કર્યું હતું.