કચ્છ : રાજ્યમાં મંગળવારે ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર (Gram Panchayat Election Result 2021) થયું હતું. આ દરમિયાન, પૂર્વ કચ્છના અંજારમાં આવેલા દુધઈ ગામમાં સરપંચનું નામ જાહેર થતા જ જીતની ખુશીમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ વિજય સરઘસમાં કોઈએ પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવ્યાનો વિડિયો (Pakistan Zindabad Slogans) વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. હાલ, આ વીડિયો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આખરે તે તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
વીડિયોને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો : પોલીસ
આજે બુધવારે સાંજે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મયુર પાટીલે ખુલાસો કર્યો હતો કે, વિજય સરઘસ દરમિયાન સમર્થકોએ રેલીમાં પાકિસ્તાન ઝીંદાબાદ નહિ, પરંતુ રાધુભાઈ ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. વિજેતા સરપંચ રીનાબેન કોઠીવારના પતિ રાધુભાઈના નામે ઝીંદાબાદના નારા લગાડવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, આ વીડિયોને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો એક પત્રકાર દ્વારા કોઈ યોગ્ય તપાસ કર્યા વગર ટ્વિટરના માધ્યમથી વાયરલકર્યો હતો.