કચ્છ : માધાપરના આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવીને આત્મહત્યા કરવા મજબૂર કરવાના ગુનામાં ફરિયાદ નોંધાયાના 17 દિવસ બાદ પશ્ચિમ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માસ્ટર માઈન્ડ મનીષા ગોસ્વામીનો કબજો મેળવ્યો છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી મનીષા અને તેના પતિ સહિત 9 સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની તપાસમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અમદાવાદની યુવતી, તેને મદદ કરનાર ભુજના એક વકીલ સહિત વધુ ચાર શખ્સોની સંડોવણી સામે આવી હતી. પોલીસે તમામની અટકાયત કરતાં આરોપીઓનો આંકડો 13 પર પહોંચ્યો છે.
જેલમાં ઘડ્યું કાવતરું : હનીટ્રેપ ગુનાના તમામ આરોપીઓએ ભેગા મળીને અગાઉથી ગુનાહિત કાવતરું રચ્યું હતુ. મનીષા ગોસ્વામીએ જેલમાં બેસીને સમગ્ર કાવતરું ઘડ્યું હતું. અમદાવાદની યુવતીને તૈયાર કરી આયોજનપૂર્વક દિલીપ સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં તેની સાથે હાઇલેન્ડ રીસોર્ટ ખાતે જઈ દુષ્કર્મની ફરીયાદનો ભય બતાવી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આમ દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી રૂ. 4 કરોડ જેવી રકમ બળજબરીથી કઢાવી લેવાનો આરોપીનો ઈરાદો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા અને પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાએ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તમામ આરોપીઓની અટક કરવા માટે સૂચના આપી હતી. જેના ભાગરૂપે આજે LCB ટીમ સાથે પાલારા ખાસ જેલ ખાતે જઈ નામદાર કોર્ટના ટ્રાન્સફર વોરંટ આધારે મુખ્ય આરોપણ મહિલા મનિષા ગોસ્વામીનો કબજો મેળવવામાં આવ્યો છે. પૂછપરછ બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.-- સંદિપસિંહ ચુડાસમા (PI, પશ્ચિમ કચ્છ LCB)