ભુજના સંસ્કાર નગર વિસ્તારમાં રહેતા યુવાનને યુવતી સાથેના સંપર્કમાં લઇ ફસાવી તેના અશ્લિલ ફોટા અને વીડિયો બનાવી યુવાનના પરિવાર પાસે રૂપિયા 5 લાખ માગવામાં આવ્યા હતા. જે દરમિયાન મામલે પોલીસ ફરીયાદ નોંધાવતા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા અને ત્રણેય આરોપીને દબોચી લેવાયા હતા.
હનીટ્રેપ: ભુજના યુવકને ફસાવનાર યુવતી સહિત 3 આરોપીની ધરપકડ
ભુજઃ શહેરમાં હનીટ્રેપની ઘટના સામે આવી છે. યુવતીની આડ લઈને એક યુવાન પાસેથી રૂપિયા 5 લાખ પડાવવાની ઘટના બની છે. જેમાં એક યુવતી સહિત ત્રણ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. આ મામલે મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે આ કેસમાં ભુજના નયન લખમણ ગઢવી અને દ્વારકા જિલ્લાના હેમંત રામભાઇ ચાવડા તથા યુવતીના 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે.
પોલીસ માહિતી અનુસાર પકડાયેલા આરોપીઓ પૈકીનો નયન લખમણ ગઢવી ભુજમાં સંસ્કાર નગર વિસ્તારમાં એમ્પાયર ટાવર ખાતે રહે છે. જ્યારે હેમંત રામભાઇ ચાવડા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના દાત્રાંણા ગામનો રહેવાસી છે.
કેસની નોંધાવેલી ફરિયાદ મુજબ સંસ્કાર નગરમાં જ રહેતા યુવકને યુવતી હોસ્પિટલ રોડ ઉપર મળી હતી અને તેણે દ્વિચક્રી વાહન ઉપર લીધી હતી. આ પછી યુવાનને બેભાન બનાવી તેના ફોટા અને વીડિયો તૈયાર કરાયા હતા. આ પછી મોબાઇલ ફોન ઉપરથી પોતાને ઇમરાન તરીકે ઓળખાન આપી મુખ્ય સૂત્રધારે ફોન કરી રૂપિયા પાંચ લાખ માગ્યા હતા. જુદા-જુદા બે ત્રણ તબક્કે ફોન કરવામાં આવ્યા હતા. જેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.