- માંડવી તાલુકામાં ભારે વરસાદ અને પવનના કારણે બાગાયતી પાકોમાં નુકસાની
- કપાસ, મગફળી, એરંડા, દાડમ સહિત બાગાયતી પાકોમાં નુકસાની
- સરકાર દ્વારા પાક નુકશાનની સહાય ચૂકવવામાં આવે તેવી માગણી
કચ્છઃ જિલ્લામાં ચાલુ સીઝનમાં 100 ટકાથી પણ વધારે વરસાદ નોંધાયો છે ત્યારે પાછોતરા વરસાદના પગલે માંડવી તાલુકામાં નાના-મોટા તળાવોમાં નવા નીરથી માલધારીઓ ખુશ છે. પરંતુ બાયાગતી પાકને મોટાપાયે નુકસાનથી (Damage to crops) ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ભાદરવાના ભુસાકા વચ્ચે વરસતા વરસાદે માંડવી તાલુકામાં મગફળી, દાડમ સહિત બાગાયતી ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત કપાસ અને એરંડાના પાકમાં પણ નુકસાની પહોંચી છે. વરસાદના કારણે માંડવી તાલુકાના વિવિધ જળાશયો, ડેમોમાં નવા નીર આવતા માલધારીઓ પુલકિત થઇ ઉઠ્યાં હતાં. મોસમનો કુલ 480 મીમી વરસાદ નોંધાયો હતો.
માલધારીઓ ખુશ ખેડૂતોને ચિંતા
માંડવી તાલુકાના ગોધરા, બિદડા, કોડાય, મેરાઉ, કાઠડા, સિરવા, આસંબિયા, તલવાના, મસ્કા, ગુંદિયાળી સહિતના ગામોમાં સારો વરસાદ પડી જતાં માલધારીમાં ખુશી છવાઇ ગઇ છે અને પશુધન માટે પાણી અને ચરિયાણનો પ્રશ્ન હલ થઇ ગયો છે. પરંતુ પપૈયાના ઝાડ જ નમી ગયા છે તો કપાસમાં સડો પણ થઈ ગયો છે. દાડમના ફૂલ પણ ખરી ગયા છે. માંડવી તાલુકામાં આવેલી વાડીઓમાં અને ખેતરોમાં વરસાદના કારણે ઉભા પાકને નુકશાન થયું છે.
કચ્છમાં પાછોતરા વરસાદથી બાગાયતી પાકોમાં નુકસાની
નુકસાન થયેલા પાકને કાઢવા માટે પણ 15 થી 20 રૂપિયે કિલો મજૂરી
વાડીમાં દાડમના ઘણાં ઝાડમાં ડાળીઓ તૂટવા સાથે દાડમના ફૂલ જમીન પર ખરી પડતા નુકશાની થઈ છે. કપાસના પાકમાં વધુ વરસાદથી સડો આવી જતા કપાસ કાળો પડી ગયો છે અને મગફળીમાં પણ નુકશાન થયું હોવાનું સ્થાનિક ખેડૂતોએ (Damage to crops) જણાવી સરકાર દ્વારા પાક નુકશાનની સહાય ચુકવવામાં આવે તેવી માગણી કરી હતી. તો નુકસાન થયેલા પાકને કાઢવા માટે પણ 15 થી 20 રૂપિયે કિલો મજૂરી ચૂકવવી પડે છે.
કપાસના પાકને ભારે નુકસાન પહોંચતા કિસાનોમાં નિરાશાની લાગણી
માંડવી તાલુકામાં છેલ્લાં અઠવાડિયાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરિયારૂપે થયેલા વરસાદ બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ધરતીપુત્રોએ બીજા રાઉન્ડમાં કરેલ પાકની વાવણીનો સોથ વળી ગયો હતો. ખાસ કરીને મોટા પ્રમાણમાં વાવેતર થયેલા કપાસના પાકને ભારે નુકસાન (Damage to crops) પહોંચતા ખેડૂતોમાં નિરાશાની લાગણી જોવા મળી હતી.
પાકોમાં 80 ટકા જેટલું નુકસાન
મેઘરાજાએ આક્રમણ કરતાં 80 ટકા કપાસનો પાક બળી ગયો હોવાની લાગણી વ્યક્ત કરતાં સમગ્ર તાલુકામાં નુકસાનીનો આંક લાખોને વટાવી ગયો હોવાનું પણ ખેડૂતોએ જણાવ્યું હતું. વરસાદના બીજા તબક્કામાં પચાસ ટકા વળતર મેળવવાની આશા પર પાણી ફરી વળ્યું હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડશે, જાણો સહાયના નિયમો
આ પણ વાંચોઃ કચ્છના રણમાં વરસાદી પાણી ભરાતા સફેદ રણનો નજારો જામશે મોડો