કચ્છઃ સરહદી અને સુકા મુલક કચ્છ માટે મેઘરાજા મોંઘેરા મહેમાન છે, પરંતું જયારે મેઘરાજા અનરાધાર વરસી પડે છે, ત્યારે જિલ્લામાં જનજીવનને તેની અસર પડે છે. આ વર્ષે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે મેઘરાજા હવે ખમૈયા કરો તેવી પ્રાર્થના સાથે વરાપ નીકળે તેની રાહ જોવાઈ રહી છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન થયાની ફરિયાદ મળી રહી છે.
ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાનજી ગાંગલે ETV ભારતને જણાવ્યું હતું કે, જિલ્લામાં વર્ષો પછી ભારે વરસાદ નોધાયો છે. વરસાદ 20થી 25 દિવસ સુઘી એક સાથે અનરાધાર પડ્યો છે, જેને પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી જે માલ ઉભો હતો, તે બળી ગયો છે અને બાગાયતી પાકોમાં ફુગ લાગી ગઈ છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં વાવણી પછી બીજા રાઉન્ડમાં સારા વરસાદની આશા રાખતા ખેડૂતો માટે વધુ વરસાદ સમસ્યા બની ગયો છે. કપાસ, મગફળી, એરંડા સહિતના પાકો બળી ગયા છે અને બાગીયતી પાકોમાં ફુગ લાગી જતા ઉત્પાદન માલ ફેંકવામાં આવી રહ્યો છે.