માંડવી બીચ પર લોકોની અવરજવર બંધ કચ્છ : કચ્છ પર બિપોરજોય વાવાઝોડાંના તોળાતાં સંકટ વચ્ચે જિલ્લામાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે અને ઉકળાટમાં વધારો થતાં જનજીવન પણ ખોરવાયું છે.અતિ તીવ્ર વાવાઝોડાંમાં ફેરવાયેલો આ ચક્રવાત ગુજરાતના કાંઠેથી દુર જતો હોવા છતાં તેની અસર રૂપે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં તીવ્ર ઝડપે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે તો કચ્છના સહેલાણી બીચ માંડવી પર લોકોની અવરજવર બંધ કરી દેવાઈ છે.
બીચ પર સઘન પોલીસ બંદોબસ્ત :ભારતીય હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં ડીપ-ડિપ્રેશન સર્જાવાથી બીપોરજોય સાયક્લોનની સંભાવના વ્યકત કરવામાં આવેલી છે. જે મુજબ સંભવિત અસરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે તો સાવચેતીના ભાગરૂપે માંડવી બીચને આજથી બીજી સૂચના ના મળે ત્યાં સુધી લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને બીચ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
માછીમારો દરિયામાં ન જાય તે સુનિશ્ચિત કરવા સૂચનો: કચ્છ જિલ્લા તંત્રના સૂત્રો દ્વારા જણાવાયું હતું કે જખૌ બંદર પર કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને બંદર તરફ પાછું ફરવા માટે સ્પિકરમાં હાલમાં સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો હાલના સમયમાં અન્ય કોઈ બંદર પર માછીમારીની બોટ દરિયામાં ન હોવાનું કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું અને કલેકટર દ્વારા કોઈપણ સંજોગોમાં માછીમારો દરિયામાં ન જાય તે સુનિશ્ચિત કરવા મરીન પોલીસને સતત પેટ્રોલિંગ કરીને ધ્યાન રાખવા જણાવ્યું હતું.
કંડલા બંદર પર બે નંબરનું સિગ્નલ : બિપરજોય વાવાઝોડું ગુજરાતના કાંઠા તરફ આગળ વધી રહયું છે. જેની અસર હેઠળ રવિવારથી કચ્છના વાતાવરણમાં પલ્ટો જોવા મળી શકે છે. પાંચ દિવસ માટેની જારી કરાયેલ સૂચના મુજબ સોમ અને મંગળવારે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે તોફાની વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. સંભવિત બીપોરજોય વાવાઝોડાંની સંભાવનાને લઈ કચ્છના કંડલા બંદર પર બે નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે.
જહાજોને જેટી સુધી લાવવાની કામગીરી બંધ: કંડલાના દિનદયાળ પોર્ટના ડેપ્યુટી કન્ઝર્વેટર પ્રદિપ મોહંતી દ્વારા સાવચેતીના ભાગરૂપે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં કંડલાના દીનદયાળ પોર્ટ પર સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ આજ સાંજથી જહાજોને જેટી સુધી લાવવાની કામગીરી બંધ કરવામાં આવશે. વેઈટીંગમાં રહેલા તમામ જહાજોને નિકળી જવાની આજે સાંજે સૂચના આપવામાં આવશે. ઓઈલ જેટી અને એલ.પી.જી. જેટી પર સાધન સામગ્રી સુનિશ્ચિત કરવા પણ સુચના આપવામાં આવી છે તો બંદર પરના તેમજ અન્ય વિસ્તારોમાં સાધન, સામગ્રીની તકેદારી રાખવા, તમામ ટર્મિનલ અને કાર્ગો તથા સંબંધીત સાધનોને સુરક્ષિત કરવા પણ નિર્દેશ કરવામાં આવ્યું છે.
15મી જૂન સુધી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા તાકીદ : માંડવી મામલતદાર દ્વારા મુખ્યત્વે વિન્ડફાર્મ બીચ ઉપરાંત તાલુકામાં દરિયાકિનારે આવેલા સ્થળો પર લોકોની અવરજવર બંધ કરી દેવાઈ છે. શેલ્ટર હોમ ખાતે 5000 ફુડ પેકેટ તૈયાર રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. તો જિલ્લાના તમામ અધિકારી કર્મચારીને આગામી 15મી જૂન સુધી કલેક્ટરની રજા વિના હેડક્વાર્ટર ન છોડવા જણાવવામાં આવ્યું છે.
- Cyclone Biparjoy : ગુજરાતના દરિયાકિનારે બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવવાની આશંકા, NDRF અને SDRF ટીમ સ્ટેન્ડ બાય મુકાઈ
- Cyclone Biparjoy Update : આજથી ત્રણ દિવસ સુરતના બંને દરિયાકાંઠે અવરજવર બંધ, પ્રધાન અને ધારાસભ્ય લોકોને સમજાવવા નીકળ્યાં
- Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાની અસર નવસારીના દરિયા કાંઠે વર્તાવાનું શરુ, બીચ પરથી લોકોને સમજાવી પરત મોકલાયાં