ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy Landfall Impact: કચ્છમાં વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ થયેલ નુકસાનીની વિગતો - કચ્છમાં વાવાઝોડાએ સર્જેલી તારાજી

બિપરજોય વાવાઝોડું જખૌ બંદર પાસે ટકરાયા બાદ હવે વાવાઝોડાએ સર્જેલી તબાહીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આખી રાત ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જે બાદ વાવાઝોડા વખતે થયેલી નુકસાનીનો અંદાજ આવી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ તેનો સર્વે શરૂ કરી દેવાયો છે. ત્યારે તંત્ર દ્વારા જિલ્લામાં થયેલી નુકસાનીની વિગતો જાહેર કરવામાં આવી છે.

તારાજી બાદ થયેલ નુકસાનીની વિગતો
તારાજી બાદ થયેલ નુકસાનીની વિગતો

By

Published : Jun 16, 2023, 7:34 PM IST

Updated : Jun 16, 2023, 7:43 PM IST

કચ્છ: કચ્છમાં વાવાઝોડાએ સર્જેલી તબાહીની તસવીરો ધીમે ધીમે સામે આવી રહી છે. વાવાઝોડું ટકરાયા બાદ ભારે પવન સાથે વરસાદ ફુંકાયો હતો. જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જોકે આજે બપોર બાદ વરસાદ ઓછો થતાં પવનની ગતિમાં પણ ઘટાડો થયો હતો. જો કે હવામાન વિભાગે આપેલી ચેતવણીને લઈને રાજ્ય સરકારે વાવાઝોડાને પહોંચી વળવા તમામ આગોતરા આયોજનો કર્યા હતા. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં 54,229નું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં 414 બાળકો, 1399 વૃધ્ધ, 552 સગર્ભા મહિલા અને 4509 અગરીયા અને કામદારોનો સમાવેશ થાય છે.

રાહત અને સર્વેની કામગીરી: 33,000 હેક્ટર જેટલો વિસ્તાર અસરગ્રસ્ત થયેલ છે. જેના સર્વે હેતુ 113 ટીમોની રચના કરવામાં આવેલી છે. રાહત અને સર્વેની કામગીરી માટે શહેરી અને ગ્રામ્યવિસ્તારમાં 4 જેટલી ટીમો કાર્યરત કરેલ છે. તથા સર્વેની વધુ જરૂરીયાત જણાતા નગરપાલિકા વિસ્તાર માટે કુલ 13 કર્મચારી તથા ગ્રામ્ય વિસ્તાર માટે કુલ 177 અધિકારી/કર્મચારી ફાળવવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરેલી છે.

મકાન અને રોડને નુકસાન: અત્યાર સુધી 63 રસ્તા અસરગ્રસ્ત થયેલ છે. જે બાબત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓ પર વૃક્ષો હટવવાની કામગીરી વિવિધ 25 જેટલી ટીમો દ્વારા કરવામાં આવેલ છે. 348 મકાનોમાં ઘરવખરી નુકસાન પામેલ છે. સમગ્ર જિલ્લામાં 1670 જેટલા કાચા અને 275 જેટલા પાકા મકાન અસરગ્રસ્ત થયેલ છે, જે અન્વયે સરકારની સ્થાયી સુચનાઓ હેઠળ 94 ટીમો દ્વારા સર્વે રાહતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

જાનહાનિ:સમગ્ર જિલ્લામાં હજી સુધી કોઈ મોતના સમાચાર આવ્યા નથી. પરંતુ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જિલ્લામાં 71 પશુ મૃત્યુ પામેલ છે. જેમાં 58 અબડાસામાં, 5 નખત્રાણા, 6 ભુજ, 2 ગાંધીધામમાં વધુ સર્વે હેતુ પશુ નિરિક્ષક તથા પશુ ચિકિત્સકની માંગણી રાજ્ય સરકાર સમક્ષ કરેલ છે.

વૃક્ષો અને વીજપોલને નુકસાન: સમગ્ર જિલ્લામાં 80,000 જેટલા વીજપોલ ક્ષતિગ્રસ્ત થયેલ છે. પીજીવીસીએલ તથા ગેટકોની 125 જેટલી ટીમો દ્વારા સમારકામ તથા પૂર્વવત કરવાની કામગીરી ચાલુ છે. સમગ્ર જિલ્લામાં 8 સબસ્ટેશન ટ્રાન્સમિશન લાઈન ક્ષતિગ્રસ્ત થયેલ છે. 103 જેટલા ફીડર ક્ષતિગ્રસ્ત થયેલ છે, જેને પુનઃ કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે. કોઈ સોલરપાર્ક વિન્ડફાર્મને નુકસાન પહોંચ્યું નથી. સમગ્ર જિલ્લામાં 3275 જેટલા વૃક્ષ ધરાશય થયેલ છે, જેને દૂર કરવાની કામગીરી નગરપાલિકા, વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાઈ રહી છે. કોઈ બંદર કે જેટી ક્ષતિગ્રસ્ત થયેલ નથી. કોઈ શીપબોટને પણ નુકસાન થયાના અહેવાલ નથી.

મેડિકલ સુવિધા: આરોગ્યને ધ્યાનમાં રાખીને 69 પી.એચ.સી., 3 એસ.ડી.એમ., 16 સી.એચ.સી બનાવવામાં આવ્યા છે. અન્ય જિલ્લામાંથી 20 મેડિકલ ઑફીસર તૈનાત કરવામાં આવેલ છે. 175 એમ્બ્યુલન્સ, 90 ડોકટરની વ્યવસ્થા, 1874 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. 552 સગર્ભાઓને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. તેમાંથી 382 સગર્ભાએ બાળકોને જન્મ આપ્યો છે.

પાણીનો પુરવઠો: 87 પીવાના પાણીના ટેંકર અને ડીવોટરીંગ પંપની વ્યવસ્થા, 56 ટેન્કર આશ્રયસ્થાન પર અને તેમજ 35 ટેંકર અસરગ્રસ્ત ગામો ખાતે પહોંચાડવામાં આવેલ અને 47 જનરેટર સેટ હેડવર્ક્સ ખાતે રાખવામાં આવેલ છે. 11 હેડ વર્ક્સ ડાઉન છે, જેના પર ડી.જી. સેટની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

રાહત અને બચાવ ટીમો: ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા, ભુજમાં NDRFની 6 ટીમ, નારાયણ સરોવર, નલીયામાં 2 SDRF, ગાંધીધામ, મુંદ્રા, નલીયામાં 4 RPFની ટીમ તૈનાત કરવામાં આવી હતી. લખપત, અબડાસા, માંડવી, ભુજમાં ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ, બોર્ડર સીક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમો તથા 4 ફાયર ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ સાથે જ નલીયામાં 1, માંડવીમાં 1 કોલમ આર્મી અને 9 ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

  1. Cyclone Biparjoy Landfall Updates: વાવઝોડાની અસરથી થયેલા નુકસાન બાદ NDRF ટીમની ઉત્કૃષ્ટ કામગીરી
  2. Cyclone Biparjoy Landfall Impact : બિપરજોય વાવાઝોડાની અસરમાં રાજકોટમાં થઈ આવી હાલત, ઘરની છત ગુમાવનારે કહી આપવીતી
Last Updated : Jun 16, 2023, 7:43 PM IST

ABOUT THE AUTHOR

...view details