આ સાયકલયાત્રામાં BSF, આસામ રાયફલ્સ, NSG, CRPF, SSB, CISF, RFFના 500 જવાનોની સાથે વ્યવસ્થા માટેનો 200થી વધુ જવાનોનો સ્ટાફ ફોર્સના કમાન્ડર એ.કે.તિવારીના માર્ગદર્શન હેઠળ આ યાત્રા દરમિયાન વ્યસનમુક્તિ, ગ્રામ્ય જાગૃતિ સહિતનો સંદેશ પણ આપી રહ્યો છે.
ગાંધીજીના જન્મ સ્થળથી સમાધિ સ્થળ સુધી 1700 કિ.મીની સાયકલ યાત્રાનું કચ્છમાં સ્વાગત કરાયું - સાયકલયાત્રા
કચ્છઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ચાલી રહી છે. જેના ભાગરૂપે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી તેમની સમાધિ રાજઘાટ દિલ્હી સુધીની સાયકલયાત્રાનું આયોજન થયું છે. જેમાં જવાનોની 1700 કિલોમીટરની સાયકલ યાત્રા કચ્છના જુના કટારીયા આવી પહોંચતાં ૧૦૮ કળશધારી બાલિકાઓ દ્વારા દેશના વીર જવાનોનું કુમકુમ તીલક કરી સ્વાગત કરાયું હતું.
કચ્છના જુના કટારિયા ગામે યોજાયેલા જવાનોનાં સન્માન સમારોહમાં માનસ હનુમંતધામ, નવા કટારિયા તીર્થના મહંત ભાનુપ્રસાદભાઈ ગોરે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, મોટું પુણ્ય જમા થાય ત્યારે દેશના વીર જવાનો ભૂમિ પર આવે છે. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરથી તેમની સમાધિ રાજઘાટ સુધીની સાયકલ યાત્રાએ નિકળેલા જવાનો નિરોગી રહી સફળતાપૂર્વક પાર કરે તેવી પ્રાર્થના અને શુભકામના પાઠવી હતી.
ફોર્સના કમાન્ડર એ.કે.તિવારીએ કચ્છની પવિત્ર ભૂમિનાં તીર્થસ્થળે આવી ધન્યતા અનુભવી રહ્યા હોવાનો ભાવ વ્યકત કર્યો હતો. તેમણે ઉર્જાવાન બની રાજઘાટ સુધીની 1700 કિલોમીટરની સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીશું તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવ્યો હતો. પવિત્ર ભૂમિને હર હંમેશ નમન કરીશું તેવી લાગણી વ્યકત કરતાં ગ્રામજનો દ્વારા થયેલા સ્વાગત બદલ ધન્યવાદ પાઠવ્યો હતો. તેમજ ગામના સરપંચ અશોકભાઇ પટેલને ફોર્સ વતી પ્રમાણપત્ર આપી આભારની લાગણી વ્યકત કરી હતી.