કચ્છ: સરહદની સુરક્ષા સંભાળતા BSFની 79 બટાલિયનના પાંચ જવાનોને આજે શનિવારે ભુજ ખાતે કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થતા આરોગ્ય વિભાગ અને BSFના સત્તાધીશોમાં હડકંપ મચી ગયો છે. હાલ આ તમામ જવાનોને ભુજની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીની સત્તાવાર યાદી મુજબ ભુજના મુન્દ્રા રોડ પર આવેલી આ બટાલિયનના પાંચ જવાનોને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આજે શનિવારે જાહેર થયો છે.
કચ્છમાં 5 BSF જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુંબઈના 2 ક્રુનો રિપોર્ટ પણ પોઝિટિવ - કચ્છ કોરોના ન્યૂઝ
કચ્છમાં BSFની 79 બટાલિયનના પાંચ જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ તમામ જવાનોને ભુજની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
તે દરમિયાન આજે કંડલા ખાતે જહાજમાં સાઇન ઓન કરવા માટે આવેલા મુંબઈના બે ક્રુ મેમ્બરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ ક્રૂ મેમ્બર 22મી મેના રોજ ગાંધીધામ આવ્યા હતા. ગાંધીધામ આવતા પહેલા તેમનો મહારાષ્ટ્ર ખાતે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટીવ જાહેર થયા બાદ તેમને ડ્યૂટી પર જોઈન થવાનું નક્કી થયું હતું. કચ્છ આવતા પહેલા બન્નેના અમદાવાદની ખાનગી લેબમાં ટેસ્ટ કરાયો હતો જે ખાનગી ટેસ્ટ તરફથી આ બંને રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ ક્રૂ મેમ્બર સાથે ગાંધીધામની હોટલમાં ક્વોરન્ટાઈન છે.
દરમિયાન કચ્છમાં પોઝિટિવ કેસોની સંખ્યા અત્યાર સુધી 88 પહોંચી છે. જેમાંથી અત્યાર સુધી 65 દર્દી સ્વસ્થ થઇ જતા તેમને રજા આપવામાં આવી છે .જ્યારે પાંચ દર્દીના મૃત્યુ થયા છે અને હાલે 18 એક્ટિવ પોઝિટિવ કેસ સારવાર હેઠળ છે. બીજી તરફ આજે કચ્છમાં વધુ પાંચ દર્દી સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી હતી. ભુજની સિવિલ હોસ્પિટલમાંથી 4 અને મુન્દ્રાની હોસ્પિટલમાંથી એક ને રજા આપવામાં આવી હતી.