કચ્છઃ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ યુવાન મુંબઈના નંદલાલ ચોક ગાયન દેવી રોડ ભાંડુંપ વેસ્ટથી 28 એપ્રિલ નીકળીને 29 તારીખે કચ્છ પહોંચ્યો હતો. આ યુવાનનું ગાંધીધામ ખાતે ખાનગી લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાન પોતાની ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે, જ્યારે તેના સંપર્કમાં આવેલા લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
મહારાષ્ટ્રની ગફલતથી કચ્છમાં કોરોના પોઝિટિવ કેસ, કચ્છ તંત્રએ મહારાષ્ટ્ર સરકારને લખ્યો પત્ર - ડોક્ટર પ્રેમકુમાર કન્નરે
કચ્છના મુંદરા ખાતે પોતાના જહાજ પર સાઇન ઓન કરવા પહોંચેલા મુંબઇના યુવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કચ્છના આરોગ્ય તંત્રે વિવિધ કામગીરી હાથ ધરી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે પોતાના કન્ટેન્ટ ઝોનમાંથી એક પોઝિટિવ દર્દીને કચ્છ સુધી આવવાની મંજૂરી આપવાના મુદ્દે કચ્છના આરોગ્ય તંત્રએ મહારાષ્ટ્ર સરકારને નારાજગી સાથેનો પત્ર લખ્યો છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, આ ગફલતને કારણે જ કોઈ યુવાન કચ્છ સુધી પહોંચી આવે તે બાબત ગંભીર છે અને ભવિષ્યમાં આ બાબતે કોઈ ગફલત ન થાય તેની તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે.
મુંબઈના યુવાન સાથેની વાતચીતમાં સ્પષ્ટ થયું છે કે, તેના રહેઠાણ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પોઝિટિવ કેસ હોવાથી લોકોને બહાર નિકળવા પર પ્રતિબંધ છે. તેમ છતાં આ યુવાનને સાઇનઓન કરવા માટે એટલે કે પોતાના જહાજને જોઈન્ટ કરવા માટે ડિરેક્ટર જનરલ ઓફ તરફથી મંજૂરી મળી હતી, જો કે ત્યાંના સ્થાનિક તંત્રએ ભલે મંજૂરી અપાઈ હોય પણ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી આગળ ન નીકળે શકે તે જોવાની ખાસ જરૂર હતી. તેમ છતાં આ યુવાન કચ્છ સુધી આવી પહોંચ્યો તે બાબત ગંભીર છે અને તેથી જ આ બાબતે જિલ્લા કલેક્ટર સાથે એક મેઇલ મહારાષ્ટ્ર સરકારને કરવામાં આવ્યો છે. જેમાં આ બાબતની ગંભીરતા જણાવીને વધુ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે આ કોરોના પોઝિટિવ યુવાનના પરિવારજનો સાથે વાત કરી ત્યારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેઓ પરિવારજનો પણ મુંબઇ ખાતે પોતાનો કોરોનાના ટેસ્ટ કરાવે તે હિતાવહ છે. આ ઉપરાંત વધુ વિગતો સાથે સ્પષ્ટ થયું છે કે, તેના રહેણાંક મકાન નજીક કોરોના કેસ સામે આવ્યા બાદ પણ કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં આ યુવાન બહાર નીકળતો હતો અને પોતે સાવચેત નહોતો રહ્યો, આ ઉપરાંત તે એક ઓનલાઈન મેડિસિન કંપનીમાં પણ નોકરી કરવા જતો હતો. આ દરમિયાન તેને સાઈન કરવાની મંજૂરી મળતા જ આવવા નીકળ્યો હતો.
બીજી તરફ આરોગ્ય વિભાગે શનિવારે કચ્છના બંદર પ્રશાસનને પણ ખાસ વિનંતી અને સ્પષ્ટ સુચના સાથે જણાવ્યું છે કે, કોઈપણ જહાજ મેમ્બર sign on માટે આ બંદર તરફ આવે છે ત્યારે તે પોતાના જ રહેણાંક વિસ્તારમાંથી કોરોના ટેસ્ટ કરાવી અને તેનો રિપોર્ટ હોય તો જ તેને કચ્છમાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.