કચ્છમાં પ્રથમ વખત ભુજમાં કોરોનાગ્રસ્ત દર્દીને કોન્વેલેશન્ટ પ્લાઝમા સારવાર અપાઈ - ભુજમાં કોરોનાની સંખ્યા
કચ્છમાં કોરોનાનું સંક્રમણ અતિ ઝડપે વધી રહ્યું છે, ત્યારે ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં શરુ થયેલી કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓને કોન્વેલેશન્ટ પ્લાઝમા સારવાર આપવાનું શરૂ કરાયું છે. ભુજના એક દર્દીને અમદાવાદથી પ્લાઝમા મેળવીને સારવાર અપાઈ રહી છે.
કચ્છ: કોવિડ કોન્વેલેશન્ટ પ્લાઝમા એટલે કોઈપણ વ્યક્તિ કે જેને કોવિડ-19નો ચેપ લાગેલો હોય અને સાજા થયા પછી જેનામાં એન્ટીબોડી ઉત્પન્ન થઇ હોય એ વ્યક્તિનું લોહી એટલે કોન્વેલેશન્ટ પ્લાઝમાં કહેવાય છે. હોસ્પિટલના ક્રિટીકલ કેર સ્પેશિયાલીસ્ટ ડો. વિજય ગોસ્વામીએ હોસ્પિટલના તંત્રને સાથે રાખી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંથી કોવિડ કોન્વેલેશન્ટ પ્લાઝમાની જરૂરી વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના પ્લાઝમા માટે દાતાને શોધી પ્રોત્સાહન આપવા ઉપરાંત અન્ય બ્લડગ્રુપ જેવી ટેકનીકલ પ્રક્રિયા પૂરી કરી આ કોન્વેલેશન્ટ પ્લાઝમા આપવામાં આવે છે.
ડૉ.ગોસ્વામીના જણાવ્યા અનુસાર કોવિડ પ્લાઝમા એ કોરોનાના દર્દીને કે જેમને વધુ પ્રમાણમાં ઓક્સિજનની જરૂર હોય અને ન્યુમોનિયા થયો હોય તો સારવાર માટે આપવામાં આવતી અધતન પદ્ધતિ છે. જે વ્યક્તિને એક વખત કોરોના પોઝિટિવ આવ્યા પછી સંપૂર્ણ સાજા થયા બાદ ચાર મહિના સુધી દર પંદર દિવસે એક વખત એફેરેસીસ પદ્ધતિથી પ્લાઝમાનું દાન કરી કોરોનાના દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો કરવા મદદરૂપ થાય છે.
ભુજના એક 45 વર્ષીય દર્દીને કોરોનાને અસર જણાતા તેમજ દર્દીને અન્ય ગંભીર રોગ હોવાને કારણે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની નાજુક પરિસ્થિતિ જોતા તાકીદની સારવાર આવશ્યક જણાતા ICUમાં દાખલ કરી હાઈફ્લો નેઝલ કેન્યુલા નામની ઓક્સિજન આપવાની અધતન સારવાર પદ્ધતિ અપનાવવામાં આવી હતી. દર્દીની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ હોસ્પિટલના સતાવાળા અને તબીબોને આ પ્લાઝમા આપવા અંગે સક્રિયતાપૂર્વક વિચારી પ્લાઝમા મેળવવાની કોશિશ કારગર નીવડી હતી અને દર્દીને પ્લાઝમા આપી આશાનો સંચાર કર્યો છે.
આ દરમિયાન કચ્છમાં અત્યાર સુધી છેલ્લા 4 મહિનામાં કોરોનાગ્રસ્ત દર્દીઓએ સારવાર પ્રાપ્ત કરી અને સાજા થયા હોય તેઓએ અત્યારે સારવાર લેતા દર્દીઓને મદદરૂપ થવા તેમનો પ્લાઝમા દાન કરવા જી.કે. જનરલ હોસ્પિટલના સતાવાળાઓએ અનુરોધ કર્યો છે. પ્લાઝમા આપવાની ઈચ્છા ધરાવતા અને 55 વર્ષની વયમર્યાદા ધરાવતા વ્યક્તિઓએ હોસ્પિટલની બ્લડબેંક ફોન નં.02832246328 ઉપર સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન સંપર્ક સાધવા જણાવાયું છે.