કચ્છ: ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસના નગરસેવકોએ પાલિકાના અધિકારી અને જવાબદાર પદાધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ કેસની યોગ્ય તપાસ કરવામાં આવશે.
ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી સહિત 3 સામે કોંગ્રેસે ફરિયાદ નોંધાવી - Congress
કચ્છના ભુજ નગરપાલિકાના પ્રમુખ લતા સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા અને મુખ્ય અધિકારી નિતીન બોડાત સામે કોંગ્રેસ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભુજ શહેરની માળખાગત અને સુખાકારી સુવિધાઓ આપવામાં આ તમામ જવાબદારોને નિષ્ફળ રહ્યાં છે. વરસાદ પછી રસ્તાઓ અને ગટર સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના શાસકો અને અધિકારીઓની નિષ્ફળતાને કારણે નાગરિકો ખૂબ મુશ્કેલી વેઠી રહ્યાં છે.
કોંગ્રેસ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, આ મુદ્દે કાયદાની વિવિધ વિવિધ કલમો હેઠળ તેમની નિષ્ફળતાએ ફોજદારી ગુનો બને છે. A ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈને ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે. પોલીસને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, કોંગ્રેસની આ રજૂઆત નથી પણ ફોજદારી ફરિયાદ છે. પોલીસને તમામ પાસાઓ ચકાસી આ કેસમાં ગુનો દાખલ કરવાની રજૂઆત કરવામાં આવી છે. આ તબક્કે પોલીસે જણાવ્યું હતું કે, આ સંબંધે તમામ પાસાઓ ચકાસી યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.