કચ્છ ભાજપના 16 મંડળમાંથી 13 મંડળની વરણીઓ થઇ ચૂકી છે. ગુરૂવારે અબડાસા મંડળની વરણીમાં વિરોધ થયા બાદ નવી વરણીઓ રદ કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે ભાજપ અને ભૂજ શહેર ભાજપની શુક્રવારે સાંજે જિલ્લા કાર્યાલય ખાતે વરણીઓ કરવાની હતી. જે કાર્યવાહી રદ કરાતા સ્પષ્ટ ઇશારો જૂથબંધી અને આંતરિક નારાજગી દૂર ન થઇ હોવાનું સૂચવે છે.
કચ્છ ભાજપના ત્રણ જૂથ આમને સામને, ભૂજમાં મંડળ સંરચના મોકુફ
કચ્છઃ ભારતીય જનતા પાર્ટીના કચ્છ સંગઠનમાં ચાલી રહેલી મંડળ સંરચનામાં શુક્રવારે અંતિમ એવા ભુજ મંડળની વિવિધ વરણીઓ એકાએક મોકુફ રાખવામાં આવી હતી. શુક્રવારે સાંજે પાંચ કલાકે થનારી કાર્યવાહી રદ કર્યાની જાણ સાંજે 4.30 કલાકે કરાતા જૂથ બંધીના અંતિમ પ્રયાસો પણ નકામા રહ્યા હોવાનું સમજાઇ રહ્યું છે. કચ્છના પ્રધાન વાસણભાઇ આહિર, ભૂજના ધારાસભ્ય અને સંગઠનના નેતાના ત્રણ જૂથ વચ્ચે કોઇ ચોક્કસ નામ નક્કી નહીં થવાને કારણે આ વરણીઓ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બાબતે કચ્છ ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલનો સતત સંપર્ક નિષ્ફળ ગયો હતો. જ્યારે મહામંત્રી અનિરૂદ્ધ દવેએ જણાવ્યું હતું કે, પ્રદેશની સૂચનાને પગલે હાલ કાર્યવાહી સ્થગિત રખાઇ છે. આ અગાઉ જેમ નવ તારીખે મંડળ સંરચના હતી તે સ્થગિત રખાઇ હતી. જ્યારે આ વખતે અબડાસા ભુજ શહેર અને ભુજ તાલુકા મંડળની સંરચના પ્રદેશની સૂચના મુજબ સ્થગિત રખાઇ છે.
આ ઉપરાંત સુત્રો મુજબ ગુરૂવારે ભુજ સર્કિટ હાઉસમાં કચ્છ પ્રધાન વાસણભાઇ આહિર, ભૂજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્ય અને આગેવાન દીલિપ ત્રિવેદી વચ્ચે મળેલી બેઠક નિષ્ફળ નીવડી હોય તેમ આજની સ્થિતિ પરથી લાગી રહ્યું છે. કારણ કે, બેઠક થવાથી એટલું તો સ્પષ્ટ થયું હતું કે, જૂથ બંધી અને નારાજગી છે. ભાજપના આગેવાનો ભલે તેનો સ્વીકાર ન કરે પરંતુ, જાણકારો માને છે કે, ભુજ શહેર અને તાલુકાની સમિતિના વરણી મુદ્દે ભારે નારાજગી છે. ડૉ. નિમાબેન આચાર્યનો વાઇરલ થયેલો પત્ર, ગુરૂવારની મીટિંગ અને શુક્રવારે થયેલી સ્થિતિ એવું સ્પષ્ટ કરી રહી છે કે, જિલ્લા ભાજપ સંગઠન, ધારાસભ્ય અને કચ્છ પ્રધાનનું જૂથ અલગ-અલગ નામ આપી રહ્યા છે. હવે સર્વાનુમત ન થતાં વિરોધ થાય તેમ છે એટલે કે, કાર્યવાહી સ્થગિત રાખવાનું મુનાસીબ માની લેવાયું છે.