કચ્છ:છ માસ અગાઉ મુન્દ્રા મધ્યે અંદાજિત ગોદામમાંથી સોપારી મળ્યા બાદ સામખિયાળી નજીકથી રૂપિયા 5 કરોડની સોપારીનો જથ્થો ઝડપાયો હતો. સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી દરમિયાન સમગ્ર મામલામાં મોટો તોડ થયો હોવાના આક્ષેપો ઉઠ્યા હોવાથી ઉપલા સ્તરેથી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 4 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ લાંચની વિવિધ કલમો તળે ગુનો નોંધાયો છે.
"આ કેસમાં હાલ તપાસ ચાલુ છે. આ તપાસ બનાસકાંઠા થરાદ નાયબ પોલીસ અધિક્ષકને સોંપાઇ છે. આગામી સમયમાં સમગ્ર પ્રકરણ સંબંધિત વિગતો સામે આવશે અને જેની સંડોવણી ખુલશે તેના સામે ચોક્કસથી કાયદાકીય પગલાં લેવામાં આવશે."-- મહેન્દ્ર બગડીયા ( પશ્ચિમ કચ્છ એસ.પી.)
ગૃહમંત્રાલય સુધી ફરિયાદ: સાયબર ક્રાઇમના કેટલાક કર્મચારીઓએ મોટી રકમનો તોડ પાડ્યો હોવાનું બહાર આવ્યું હતું. સોપારી કાંડમાં ડ્યૂટી ચોરી કરી પ્લાસ્ટિકના દાણાની આડમાં મુન્દ્રા પોર્ટ પરથી પસાર થઈ સોપારી મુક્ત બજારમાં પહોંચે તે પહેલાં પોલીસના હાથે ઝડપાઇ ગઇ હતી.બાદમાં સાયબર ક્રાઇમના કેટલાક કર્મચારીઓએ મોટી રકમનો તોડ પાડ્યો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ અંદરોઅંદર ખટપટો થતાં ઈમેલના માધ્યમથી સંલગ્ન વિવિધ ખાતાઓ સમેત ગૃહમંત્રાલય સુધી ફરિયાદ કરવામાં આવી હતી.
6 વ્યક્તિ સામે ફરિયાદ:બહુ ચર્ચાસ્પદ બનેલા આ સોપારી કાંડ કેસમાં અંતે ફોજદારી ફરિયાદ અને ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ 4 પોલીસ કર્મચારી,ગાંધીધામમાં થોડાક વર્ષો પહેલા અકસ્માત સર્જનાર પંકિલ મોહતા તથા શૈલેન્દ્રસિંહ ઉર્ફે ભાણુભા સોઢા સામે ફરિયાદ નોંધાઇ છે. આજે ડીસા ડિવિઝન પોલીસ દ્વારા પ્રેસ નોટ જારી કરી આ કેસ અને ફરિયાદ અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે. સોપારી કાંડના ફરીયાદમાં ભરત ગઢવી સહિત શેલેન્દ્રસિંહની મદદથી કાવતરું રચી ગોડાઉન મેનેજર આશિષ પટેલનું અપહરણ કરી આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 3.75 કરોડની તોડ કર્યા સહિત 6 વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
નાયબ પોલીસ અધિક્ષક સોંપી: આ કેસમાં અત્યાર સુધી 6 વ્યક્તિઓની સંડોવણી ખુલ્લી છે અને તેની સામે ફરીયાદ નોંધાઇ છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ મુન્દ્રાના તથા બોર્ડર રેન્જમાં ફરજ બજાવતા કર્મચારીની સંડોવણી સામે આવી હતી. હવે આ કેસની તપાસ કચ્છ બોર્ડર રેન્જ હેઠળ આવતા બનાસકાંઠા થરાદના નાયબ પોલીસ અધિક્ષકને સોંપાઇ છે. જો કે રેન્જના કર્મચારીઓ દ્વારા થયેલી આ તપાસમાં અન્ય કોઇની સંડોવણી છે કે નહી અને આટલા મોટો તોડકાંડમાં કોઈ ઉચ્ચ અધિકારીઓ સામેલ છે કે નહી તે તપાસ બાદ ખુલાસાઓ થશે.
- Banaskantha Crime : લાખણી તાલુકાની સગીરાએ કરી આત્મહત્યા, ઓનલાઈન પરિચયમાં આવેલો શખ્સ બન્યો મોતનું કારણ
- Banaskantha Local Issue : ડીસા તાલુકામાં ડમ્પરચાલકોનો ત્રાસ, સ્થાનિક લોકોએ ડમ્પરોને રોકીને ચક્કાજામ કર્યો