કચ્છ : ભુજના હમીરસર તળાવના કિનારે સાંજે પાંચના ટકોરે શરૂ થયેલ સમગ્ર કાર્યક્રમે ચાર કલાક સુધી શ્રોતાઓને જકડી રાખ્યા હતા. એક પછી એક દેશપ્રેમ, દેશસેવા અને દેશભક્તિના ગીતો ની જમાવટથી અનોખો માહોલ જોવા મળ્યો હતો.
ભુજમાં દેશભક્તિના ગીતો સાથે પ્રજાસત્તાક દિનની રંગારંગ ઉજવણી
71માં પ્રજાસત્તાક દિનની કચ્છમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભુજ ખાતે નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિનની સાપ્તાહિક ઉજવણીના અંતિમ ચરણમાં 26મી જાન્યુઆરીએ ભુજના હમીરસર તળાવના કિનારે દેશ ભક્તિના ગીતોના રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલાકારોએ દેશભક્તિ અને દેશપ્રેમના ગીતોની જમાવટ કરીને ઉપસ્થિત સૌ કોઇને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમજ etv ભારત દ્વારા લાઈવ પ્રસારણથી ઘરે બેસીને જોનારા તમામ દર્શકોએ પણ આ સમગ્ર કાર્યક્રમને રસ ભરીને માણ્યો હતો.
નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરત રાણાએ જણાવ્યું હતું કે, આ ઉજવણીની સફળતા એ બાબતની સાબિતી છે કે, લોકો નગરપાલિકાની કાર્યવાહીથી ખુશ છે. તેમજ નગરપાલિકાને સહયોગ આપી રહ્યા છે. સાત દિવસની સપ્તપદી જેવી ઉજવણીમાં અંતિમ દિવસે દેશભક્તિના ગીતોની સાથે બાળકોએ પણ બે કૃતિઓ રજુ કરી હતી. જેને ઉપસ્થિતોએ દાદ આપી હતી.
તે ઉપરાંત નગરપાલિકાના સાપ્તાહિક ઉજવણીના કાર્યક્રમો લાઈવ પ્રસારણ કરીને લોકો સુધી તમામ આયોજન કરનાર etv ભારતે લાગણી પ્રગટ કરતા નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી અને ઉજવણીમાં તમામ રીતે સહયોગ આપનાર તમામ તંત્રના અધિકારીઓ ,નગરપાલિકા સ્ટાફ અને જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો હતો.