કચ્છ : ભૂજ શહેરનું હાલનું મુખ્ય કેન્દ્ર ગણાતું જયુબલી ગ્રાઉન્ડમાં ચારે બાજુથી માર્ગો પર ખાડા જોવા મળી રહ્યા છે. બસ સ્ટેશન પાસે તો એટલા ઉંડા ખાડા છે કે વરસાદી પાણી ભરાય ત્યારે જો વાહનચાલક ધ્યાન ન રાખે તો તે વાહન સમેત નીચે પછડાઈ શકે છે. ભૂજના સ્ટેશન રોડ, હોસ્પિટલ રોડ, સંતોષી માતા મંદિર રોડ , સ્વામીનારાયણ મંદિર રોડ આવા અનેક રોડ પર વરસાદને કારણે નહીં પણ ગટર સમસ્યાને કારણે ખખડધજ માર્ગોની સમસ્યા લોકો ભોગવી રહ્યા છે. ભૂજમાં ભૂકંપ પછી જે માર્ગો બનાવાયા તેમાંથી કેટલાક માર્ગ આરએનબી પાસે તો કેટલાક માર્ગની જવાબદારી પંચાયત હસ્તક છે. હવે આ માર્ગોના નવીનીકરણની જવાબદારી આ વિભાગોની છે તેમ જણાવીને નગરપાલિકા સમારકામમાં ધ્યાન આપતી નથી.
ભુજના રસ્તાની બિસ્માર હાલત! નાગરિકોને હાલાકી ભૂજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે વરસાદી પાણીથી તુટેલા માર્ગોની મરંમત માટે પાલિકા દ્વારા આયોજન કરી લેવાયું છે જ્યારે ખુબ મોટા માર્ગો છે તે માટે સરકારને એક ખાસ દરખાસ્ત કરવામાં આવી છે. શહેરમાં ભૂકંપ પછી જે ગટર લાઈનો નંખાઈ હતી તે બેસી જતી હોવાથી તાત્કાલિક અસરથી માર્ગો તોડીને એ લાઈનોનું રિપેરિંગ કરવામાં આવી છે. ગટર અને માર્ગ બન્ને માટેની એક દરખાસ્ત કરી દેવાઈ છે. જે મંજૂર થયા બાદ પાલિકા તત્કાલ કામગીરી કરશે. જો કે, તમામ માર્ગોના નવીનીકરણ માટે પાલિકા સક્ષમ નથી. નગરપાલિકાની બાંધકામ શાખાના એન્જિ. હિતેન્દ્રસિંહ જાડેજાએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે ભૂજ શહેરમાં કુલ 267 કિ .મીના માર્ગો છે. જે તમામ ભૂકંપ બાદ બનાવવામાં આવ્યા હતા. ભારે વરસાદમાં જ્યારે ગટરલાઈન બેસી જાય એટલે રસ્તા તોડીને કામ થાય છે. હાલ વરસાદને પગલે શહેરમાં 40 નાના મોટા માર્ગો તુટી ગયા છે. જેના સમારકામ માટે તૈયારીઓ થઈ ગઈ છે. ચોમાસા બાદ તરત જ આ માર્ગોનું સમારકામ કરી દેવાશે. રૂ. આઠ કરોડના ખર્ચે આ તમામ માર્ગોને આવરી લેવાનું આયોજન છે. ગત 2019માં વરસાદ બાદ પાલિકાએ રૂ 60 લાખના ખર્ચે તુટેલા માર્ગોની મરંમત કરી હતી. ભુજના રહેવાસી રાજેશ ગોરે ઈટીવી ભારત સમક્ષ નારાજગી સાથે જણાવ્યું હતું કે ટેકસના મામલે જયારે નાગરિકો પાસે પાલિકા નિયમિતતાની આશા રાખે છે ત્યારે ગટર પાણી અને માર્ગોના મુદ્દે પાલિકા ખુદ પૂરતી સેવા આપતી નથી. હાલ વરસાદમાં માર્ગો તૂટી ગયા છે. વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે કેટલાક કિસ્સામાં લોકોના અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે. ત્યારે પાલિકાના સત્તાધીશોએ લોકોની સમસ્યા સમજવી જોઇએ અને તેના નિકાલ માટે કામગીરી થવી જોઈએ.