કચ્છ:સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડા પવન ફૂંકાતા લોકોને દિવસભર ગરમ કપડાં પહેરવાનો વારો આવ્યો છે. સરેરાશ 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવને શહેરીજનોને થરથરવા માટે મજબૂર કર્યા હતા. બપોરના સમયે તો પવનની ગતિ વધીને 20 કિ.મી. સુધી પહોંચતાં ધૂળની ડમરીઓ ઊડી હતી. હવામાન વિભાગે કોલ્ડ વેવની કોઇ ચેતવણી જારી કરી નથી, પણ સર્ક્યુલેશનની અસર તળે ભારે પવન સાથે ઠંડીનો ચમકારો ત્રણ દિવસ સુધી જારી રહ્યા બાદ રાહત મળશે તેવું લાગી રહ્યું છે.
6 ડિગ્રીથી 15 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું:આજે રાજ્યના શિતમથક નલિયામાં પારો ફરી 2 ડિગ્રી ઘટીને 6.2 ડિગ્રીએ પહોંચ્યો હતો અને આખો દિવસ ગરમ કપડાં પહેરવા પડે તેવી ઠંડક અનુભવાઇ હતી. રાજ્યમાં નલિયા પછી અમદાવાદ અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન નોંધાતા સૌથી વધારે ઠંડી અનુભવાઈ હતી. ભુજમાં અડધો ડિગ્રીના વધારા સાથે પારો 10.4 ડિગ્રીના બેવડા આંકમાં પહોંચ્યો હતો. રાજ્યમાં 6 ડિગ્રીથી 15 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયો હતો.
ઠંડીનું જોર યથાવત્:પહાડી રાજ્યોમાં હિમવર્ષાનો દોર જારી રહેતાં પવનના સથવારે 27મી તારીખ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશે. ઠંડીની તીવ્રતા યથાવત્ રહેતાં શાળાના બદલેલા સમયનો ગાળો લંબાયો છે. ઉલ્લેખનીય છે કે, ગયા રવિવારે નલિયામાં સીઝનનું સર્વાધિક નીચું 1.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.