કરછ: શનિવારના રોજ વડાપ્રધાન મોદી દ્વારા 15 વર્ષથી 18 વર્ષના બાળકોને રસી આપવાનું જાહેર (PM Modi announces to vaccinate children) કર્યું હતું. આ વેકિસન અભિયાન બે તબક્કામાં ચાલી રહ્યું હતું, પરંતુ હવે ત્રીજો તબક્કો છે બાળકોને વેકિસન આપવાનો. આ ત્રીજા તબક્કાની શરૂઆત 3 જાન્યુઆરીથી કચ્છ ખાતેથી કરવામાં આવશે. આ અભિયાન હેઠળ 1.82 લાખ બાળકોને (Childrens Vaccination 2022) આવરી લેવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. બાળકોના રસીકરણ માટે તેમના વાલીઓને રીઝવવા તંત્રએ અથાક પ્રયત્નો કરવા પડશે આ માટે જિલ્લા આરોગ્ય તંત્ર પણ સજ્જ છે.
અંદાજે 1,82,354 બાળકો કોરોનાની રસી લેવા માટે સક્ષમ
ભારત બાયોટેક (India Biotech Comapny) દ્વારા બાળકો માટે બનાવેલી રસીને સરકારની સહમતી મળી ગઇ છે, ત્યારબાદ હવે દેશભરમાં બાળકોને રસી આપવા આરોગ્ય તંત્ર કાર્યશીલ થયું છે. કચ્છ જિલ્લામાં પણ સરકારે આપેલા આદેશ અનુસાર, બાળકો માટે રસીકરણ (Vaccination for childrens In India) કરવામાં આવશે. મળતી વિગતો મુજબ કચ્છમાં કુલ વસતીના 7.30 ટકા બાળકો 15 થી 18 વર્ષના વયજૂથમાં આવે છે. આ પ્રમાણે અંદાજે 1,82,354 બાળકો કોરોનાની રસી લેવા માટે સક્ષમ છે અને તેમાંથી 90,000 જેટલા બાળકો હાલ શાળામાં અભ્યાસ કરી રહયાં છે.
બાળકોને રસી આપવાની પ્રક્રિયામાં વાલીઓની ભૂમિકા મહત્વની રહેશે: જિલ્લા આરોગ્ય અધિકારી
કચ્છ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં 3જી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે. કચ્છનું જિલ્લા આરોગ્ય તંત્ર બાળકોને રસી આપવા માટે સુસજ્જ છે. આ વયજૂથના બાળકોને રસી મેળવવા તેમના વાલીઓની પરવાનગીની જરૂર પડશે અને વાલીઓ ઈચ્છશે તો જ બાળકોને રસી આપવામાં આવશે. સરકારની ગાઇડલાઈન મુજબ રજીસ્ટ્રેશનથી લઈને બાળકોને રસી આપવાની પ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે.