- 10 કરોડ લિટર ક્ષમતાના ડિ-સેલિનેશન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે
- વર્ષ 2050ને ધ્યાને લઇ પેયજળ માટે કચ્છમાં 1350 કરોડની યોજનાઓ
- કચ્છ જિલ્લામાં પાણી માટેની 31 યોજનાઓ મૂકાઇ
કચ્છ: કચ્છમાં વર્તમાન સ્થિતિએ 25 લાખની વસ્તીને ધ્યાને લઇ પ્રત્યેક વ્યકિતને આગામી 2050 સુધી દૈનિક 100 લિટર પાણી નળ વાટે ઘરમાં મળી શકે તેવું આયોજન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રથમ એવો જિલ્લો છે જેમાં પાણીની લાઇનોની સુધારણા કરીને ભવિષ્યનું નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. આવનારા 30 વર્ષમાં જળનાં માળખાંમાં વિક્ષેપ ન પડે એ માટે રૂપિયા 614 કરોડની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં 475 MLD ની દૈનિક પાણીની જરૂરિયાત છે
કચ્છ જિલ્લામાં પ્રત્યેક વ્યક્તિ, ઢોર, ઔદ્યોગિક તેમજ અન્ય સંસ્થાઓની જરૂરિયાત સાથે ગણતરી કરવામાં આવે તો કુલ 475 MLD ની દૈનિક પાણીની જરૂરિયાત છે, જે પરિપૂર્ણ કરવા માટે માળિયા ખાતેથી નર્મદાનું પાણી તેમજ ટપ્પર ડેમ, સુવઈ ડેમ અને ફતેહગઢ ડેમ કે જે નર્મદા કેનાલ સાથે જોડાયેલા હોઇ તેના દ્વારા કચ્છ જિલ્લાની જરૂરિયાતનું 475 MLD પાણી ઉપલબ્ધ છે અને બલ્ક લાઇન દ્વારા જુદા જુદા હેડવર્ક્સ પર પાણી આપવા માટેની વહન ક્ષમતા પણ પર્યાપ્ત છે તેવું પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરએ જણાવ્યું હતું.
10 કરોડ લિટર ક્ષમતાના ડિ-સેલિનેશન પ્લાન્ટ તૈયાર થઇ રહ્યો છે
નળ સે જળ કાર્યક્રમ અંતર્ગત સુચારૂ રૂપે દરેક ગામે પૂરતું પાણી મળી રહે તેમજ દરેક ગામનું નેટવર્ક 100 ટકા ઘર કનેકશનોથી જોડાયેલા હોય તે માટે પૂરતા સોર્સ અને પૂરતું નેટવર્ક હોવું જરૂરી છે. કચ્છ જિલ્લો સંપૂર્ણપણે નર્મદા ઉપર નિર્ભર ન રહે અને સ્થાનિકોને પણ પાણી ઉપલબ્ધ થાય તેવી દૂરદૃષ્ટિને ધ્યાને લઇ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામ પાસે 100 MLD એટલે કે, 10 કરોડ લિટર ક્ષમતાના ડિ-સેલિનેશન પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે માસ ફેબ્રુઆરી 2023માં કાર્યરત થનાર છે.
વ્યકિતદીઠ 100 લિટર પાણી દરેક ગામને આપવાનું નક્કી કરાયું
કચ્છ જિલ્લાની બલ્ક પાઇપલાઇન માંથી જુદા-જુદા 26 ટેપિંગ પોઇન્ટ મારફતે કુલ્લ 27 જૂથ યોજનાઓને જરૂરિયાત મુજબનું પાણી આપવામાં આવી રહ્યું છે અને આ જૂથ યોજના દ્વારા તેઓના વિતરણ નેટવર્ક મારફતે દરેક ગામે પાણી વિતરણ કરવામાં આવશે. ભૂતકાળમાં આ જૂથ યોજનાઓનું નેટવર્ક પ્રતિ વ્યકિત 70 લિટર પાણી આપવાની ગણતરી સાથે બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે સરકાર દ્વારા નક્કી થયેલા નિયમો મુજબ વ્યકિતદીઠ 100 લિટર પાણી દરેક ગામને આપવાનું થાય છે.
2 વર્ષમાં 7 હજાર કિલોમીટરની પાઇપલાઇન સુધારવામાં આવી
કચ્છ જિલ્લામાં પાણી પુરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરના નેજા હેઠળ બે વર્ષમાં માત્ર 30 ટકા સ્ટાફમાં પીવાના પાણીના હયાત માળખામાં મોટો બદલાવ કરી લેવામાં 90 ટકા સફળતા મળી છે. બલ્ક પાઇપલાઇનની 450 કિલોમીટર અને વિતરણ વ્યવસ્થા સાથે જોડાયેલી આંતરિક લાઇનો 6500 કિ.મી. મળી કચ્છમાં કુલ્લ 7 હજાર કિલોમીટરની પાઇપલાઇન સુધારવામાં આવી છે.